નવી દિલ્હીઃ 67 લાખ આધાર નંબર લીક થયા છે, આ દાવો છે ફ્રેન્ચ સિક્યોરિટી રિસર્ચર Robert Baptiste નો. તેમણે આ પહેલા પણ આધાર લીકનો ખુલાસો કર્યો છે. રોબર્ટે એક બ્લોગ લખ્યો છે. તેમાં કહ્યું છે કે, ભારતીય ગેસ એજન્સી ઇન્ડેને 67 લાખ આધાર નંબર્સ લીક કર્યા છે. અહેવાલ અનુસાર ડીલર્સ અને ડિસ્ટ્રિબ્યૂટર્સ માટે ઇન્ડેનની વેબસાઈટ્સ છે જ્યાંથી આ ડેટા લીક થયા છે.


અહેવાલ પ્રમાણે, વેબસાઇટનું આ પેજ ગુગલ સાથે ઇન્ડેક્સ્ડ હતું. જેના કારણે આ બધા માટે એક્સેસેબલ થયું. બીજી બાજુ સિક્યોરિટી રિસર્ચર ઇલિયટ એન્ડરસને પણ તેમના બ્લોગ પોસ્ટમાં આ વાતની જાણકારી આપી છે. આ અંગે જાણકારી મેળનારા રિસર્ચર્સનું કહેવું છે કે, તેમને એક ટિપ મળી હતી જેમાં ઇન્ડેનની વેબસાઇટ પર લોકોના આધાર ડેટા અપડેટ હોવાની વાત કહેવામાં આવી હતી.



આ અંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું છે કે, ઇન્ડિયન ઓઇલ તેના સોફ્ટવેરમાં માત્ર આધાર નંબર જ કેપ્ચર કરે છે. જે LPG સબસિડી ટ્રાન્સફર માટે જરૂરી છે. આ ઉપરાંત કોઇ માહિતી ઇન્ડિયન ઓઇલ તરફથી લેવામાં આવતી નથી. આથી અમારી તરફથી આધાર ડેટા લીક થવો શક્ય નથી.



જોકે, અત્યારે પેજ પરથી આધાર નંબર ખસેડાયા છે. પરંતુ Techcrunchના અહેવાલ પ્રમાણે, પેજ પર માત્ર આધાર નંબર જ નહીં, પરંતુ યુઝર્સના સરનામા અને નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, સ્ક્રિપ્ટ બ્લોક થઇ એ પહેલાં તે 5.8 મિલિયન (58 લાખ) કસ્ટમર્સને એક્સેસ કરી શકતા હતા. તેમના મતે 6.7 મિલિયન (67 લાખ) ગ્રાહકોનો ડેટા એક્સપોઝ થયો છે.