નવી દિલ્હીઃ રિલાયન્સ ગ્રુપના પ્રમુખ અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટથી મોટો ઝાટકો લાગ્યો છે. તેને પોતાની કંપનીના બે ડાયરેક્ટરો સાથે જેલ પણ જવું પડી શકે છે. સુપ્રીમ કોર્ટે એરિક્શન ઇન્ડિયાની અરજી પર અનિલ અંબાણીને અનાદરના દોષી ગણાવવામાં આવ્યા છે. અરજી એરિક્સન ઇન્ડિયાને 550 કરોડ રૂપિયાની બાકી રકમ આપવાની છે. નોંધનીય છે કે, રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણી અને અન્ય વિરૂદ્ધ બાકી રકમ ન ચૂકવવા પર ટેલિકોમ ઉપકરણ નિર્માતા એરિક્સને સુપ્રીમ કોર્ટમાં ત્રણ અનાદરની અરજી કરી હતી.




કોર્ટે અનિલ અંબાણી અને રિલાયન્સ ગ્રુપના બે ડાયરેક્ટરોને ચાર સપ્તાહની અંદર એરિક્સનને 453 કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું છે. સાથે જ કહ્યું કે, સમયમર્યાદાની અંદર પેમેન્ટ ન કરવા પર ત્રણેયને ત્રણ ત્રણ મહિનાની જેલની સજા થશે. સુપ્રીમ કોર્ટે ત્રણેય પર આદેશની અવગણના કરવા પર એક એક કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને એક મહિનામાં દંડની રકમ જમા કરાવવામાં નહીં આવે તો તેમને 1 મહિનો જેલમાં રહેવું પડશે.



અરજીમાં જે બે ડાયરેક્ટરો વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટની કાર્રવાઈ થઈ છે તેમાં એક રિલાયન્સ ટેલિકોમના ચેરમેન સતીશ સેઠ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલના ચેરમેન છાયા વિરાની છે.