8 Lakh Crore Market Cap Club: લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા મોદી સરકારની વાપસીનો સંકેત આપતા એક્ઝિટ પોલના કારણે સોમવારે ભારતીય શેરબજારમાં ઘણા રેકોર્ડ તૂટી ગયા હતા. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલ્યા છે. મિડકેપ અને સ્મોલ ઈન્ડેક્સે પણ લાઇફટાઇમ સપાટી હાંસલ કરી હતી.  જ્યારે શેરબજારમાં લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ એક જ દિવસમાં  13 લાખ કરોડ રૂપિયાના વધારા સાથે 425 લાખ કરોડ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. પરંતુ આજના સત્રમાં ભારતીય શેરબજારમાં વધુ એક રેકોર્ડ બન્યો છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ત્રણ મોટી કંપનીઓનું માર્કેટ કેપ પ્રથમ વખત 8 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.


એસબીઆઇ 8 લાખ કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ


મોદી સરકાર સતત ત્રીજી વખત સત્તામાં આવવાની સંભાવનાને કારણે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો શેર લગભગ 10 ટકાના ઉછાળા સાથે 912.10 રૂપિયાના લાઇફટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે SBIના શેર 900 રૂપિયાને પાર કરી ગયા છે. SBIનો શેર 9.38 ટકાના વધારા સાથે રૂ. 908 પર ટ્રેડ થઈ રહ્યો છે. શેરમાં આટલા ઉછાળા પછી પ્રથમ વખત SBIનું માર્કેટ કેપ રૂ. 8 લાખ કરોડને વટાવીને રૂ. 811,604 કરોડ સુધી પહોંચી ગયું છે, જે છેલ્લા સત્રમાં 740,832 કરોડ રૂપિયા હતું. આજના સત્રમાં SBIના માર્કેટ કેપમાં લગભગ 71000 કરોડ રૂપિયાનો વધારો થયો છે.


ICICI બેન્કનું માર્કેટ કેપ 8 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે


માત્ર SBI જ નહીં ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી બેન્ક ICICI બેંક પણ 8 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ICICI બેંકનો શેર પણ 1171 રૂપિયાના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે, જે હાલમાં લગભગ 3 ટકાના વધારા સાથે રૂપિયા 1151 પર ટ્રેડ થઈ રહ્યો છે. ICICI બેન્કનું માર્કેટ કેપ 809,588 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે જે ગયા સત્રમાં રૂ. 787,229 કરોડ હતું. જોકે, HDFC બેન્ક 11.96 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે સૌથી મૂલ્યવાન બેન્ક છે.


ભારતી એરટેલ પણ 8 લાખ કરોડના ક્લબમાં


આજે દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ પણ 8 લાખ કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ભારતી એરટેલનો શેર પહેલીવાર 1420 રૂપિયાની રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. હાલમાં એરટેલનો શેર 1.49 ટકાના વધારા સાથે 1393 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. એરટેલનું માર્કેટ કેપ 805,665 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. 778,335 કરોડ હતું.