7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો આતુરતાથી 8મા પગાર પંચ (8th Pay Commission)ની રાહ જોઈ રહ્યા છે. દેશમાં 7મું પગાર પંચ (7th Pay Commission) 1 જાન્યુઆરી, 2016થી લાગુ થયું હતું. તેનાથી લગભગ 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ પહોંચ્યો હતો. દર 10 વર્ષે પગાર પંચ લાગુ કરવામાં આવતું હોવાથી હવે આશા રાખવામાં આવી રહી છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગુ કરી દેશે. તેનાથી લઘુતમ પગાર અને પેન્શનમાં મોટો ફેરફાર આવવાની આશા છે.


31 ડિસેમ્બર, 2025ના રોજ 7મું પગાર પંચ પૂરું થશે


જોકે, 7મા પગાર પંચમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો કે તેનો સમય 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂરો થવાનો છે. આથી એક મોટા વર્ગને ચિંતા છે કે નવું પગાર પંચ આ વખતે 10 વર્ષમાં લાગુ થશે કે નહીં. સરકાર તરફથી પણ હજુ સુધી 8મા પગાર પંચ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. છેલ્લા એક વર્ષમાં કર્મચારી યુનિયન અનેક વખત કેન્દ્ર સરકાર પાસે સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગણી કરી ચૂક્યા છે. બજેટ પછી જ્યારે નાણાં સચિવ ટી.વી. સોમનાથનને આ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે હાલમાં આ કામ માટે અમારી પાસે પૂરતો સમય છે.


લઘુતમ પગાર 18 હજાર રૂપિયા અને પેન્શન 9000 રૂપિયા થઈ ગયું હતું


6ઠ્ઠા પગાર પંચ (6th Pay Commission)થી 7મા પગાર પંચમાં શિફ્ટ થવા દરમિયાન કર્મચારી યુનિયને માંગણી કરી હતી કે પગાર સુધારણામાં ફિટમેન્ટ ફેક્ટરને 3.68 રાખવામાં આવે પરંતુ, સરકારે તેને 2.57 જ રાખ્યો. ફિટમેન્ટ ફેક્ટરની મદદથી કેન્દ્રીય કર્મચારીઓનો લઘુતમ પગાર 7000 રૂપિયાથી વધીને 18 હજાર રૂપિયા થઈ ગયો હતો. આ ઉપરાંત મિનિમમ પેન્શન પણ 3500 રૂપિયાથી વધીને 9000 રૂપિયા થઈ ગયું હતું. નોકરી કરતા કર્મચારીઓનો મહત્તમ પગાર 2.50 લાખ રૂપિયા અને મહત્તમ પેન્શન પણ 1.25 લાખ રૂપિયા થઈ ગયું હતું.


મિનિમમ પગાર 34,560 અને પેન્શન 17,280 રૂપિયા થઈ શકે છે


હવે 8મા પગાર પંચમાં જો કર્મચારી યુનિયનની માંગણી માની લેવામાં આવે તો ફિટમેન્ટ ફેક્ટરને 1.92 કરી શકાય છે. તેની મદદથી દેશમાં સરકારી કર્મચારીઓનો લઘુતમ પગાર 18 હજાર રૂપિયાથી વધીને 34,560 રૂપિયા અને મિનિમમ પેન્શન 17,280 રૂપિયા સુધી પહોંચી શકે છે. તેનાથી મોંઘવારીનો માર સહન કરી રહેલા કર્મચારીઓ અને પેન્શનરોને ઘણી રાહત મળશે.


આ પણ વાંચોઃ Unemployment Rate: બેરોજગારીનો દર ઘટ્યો, શહેરોમાં રોજગાર વધ્યા, પુરુષોએ બાજી મારી, મહિલાઓ પાછળ રહી