Airbus A320 Family Aircraft : ઈન્ડિગો નામની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી એરલાઈન્સ ઓપરેટર ઈન્ટરગ્લોબ એવિએશને વિમાન ખરીદવાનો દુનિયાનો સૌથી મોટો સોદો કર્યો છે. ઈન્ડિગો 500 નવા એરબસ A320 ફેમિલી એરક્રાફ્ટ ખરીદવા જઈ રહી છે. કોઈપણ ભારતીય એરલાઈન્સ દ્વારા એકસાથે ડિલિવરી કરાયેલા સૌથી વધુ સંખ્યામાં એરક્રાફ્ટનો આ ઓર્ડર છે. આ એરક્રાફ્ટ 2020 અને 2035ની વચ્ચે ડિલિવર થવાની અપેક્ષા છે.
ઈન્ડિગોએ 500 નવા એરબસ A320 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. ઈન્ડિગો એ વિશ્વની પહેલી એરલાઈન છે જેણે એક સાથે આટલી મોટી સંખ્યામાં એરક્રાફ્ટ ખરીદવા માટે એરબસ સાથે ડીલ કરી છે. આ વર્ષે ભારતમાંથી આટલી સંખ્યામાં એરક્રાફ્ટ મંગાવવાનો આ બીજો કિસ્સો છે. આ જ વર્ષે ટાટા જૂથની માલિકીની એર ઈન્ડિયાએ અગાઉ એરબસ અને બોઈંગ સાથે 470 નવા એરક્રાફ્ટ ખરીદવાના સોદાની જાહેરાત કરી હતી.
ઈન્ડિગોના પ્રમોટર અને એમડી રાહુલ ભાટિયા, ઈન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સ અને એરબસના સીઈઓ ગુઈલામ ફૌરીએ પેરિસ એર શો 2023 દરમિયાન 500 નવા A320 એરક્રાફ્ટ ખરીદવાના ઓર્ડર માટે એરબસ સાથે ઐતિહાસિક ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એરબસે તેના ટ્વીટમાં કહ્યું હતું કે, આ ડીલ દ્વારા ભારતમાં સસ્તી હવાઈ મુસાફરીને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.
ઈન્ડિગોના સીઈઓ પીટર્સ આલ્બર્સે આ પ્રસંગે કહ્યું હતું કે, ઈન્ડિગોના 500 એરબસ A320 એરક્રાફ્ટના આ ઐતિહાસિક ઓર્ડર અત્યંત મુશ્કેલ છે. તેમણે કહ્યું હતું કે, આ ઓર્ડર સાથે એક દાયકા માટે ઈન્ડિગો માટે 1,000 એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જે ઈન્ડિગોને તેના મિશનને પૂર્ણ કરવામાં, ભારતના આર્થિક વિકાસને વેગ આપવા અને ગતિશીલતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.
અગાઉ ટાટાએ કરી હતી મહાડીલ
આ અગાઉ એર ઈન્ડિયાની કમાન ટાટા ગ્રુપના હાથમાં આવતાની સાથે જ એરલાઈન્સે ઐતિહાસિક ડીલ કરી હતી. કંપનીની આ ડીલની ચમક અમેરિકાથી લઈને યુરોપ સુધી જોવા મળી હતી. આ ડીલ પછી દરેકના મનમાં એક જ સવાલ આવી રહ્યો છે કે એર ઈન્ડિયાએ આટલો મોટો સોદો કેમ કર્યો, તેનું કારણ શું છે? કારણ એ છે કે એર ઈન્ડિયાએ 2006 થી નવા એરક્રાફ્ટ માટે કોઈ ઓર્ડર આપ્યો ન હતો, પરંતુ 16 વર્ષ પછી કંપનીએ 470 અત્યાધુનિક પેસેન્જર એરક્રાફ્ટનો ઓર્ડર આપીને ઈતિહાસ રચ્યો છે. એર ઈન્ડિયા આ ડીલને વધુ મોટી બનાવી શકે છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે એર ઈન્ડિયા પાસે વધુ 370 જેટ ખરીદવાનો વિકલ્પ છે.
કંપનીએ અમેરિકા અને યુરોપની બે કંપનીઓ સાથે વિશ્વની સૌથી મોટી એરક્રાફ્ટ ખરીદીનો સોદો કર્યો હતો. ભારતના 'મહારાજા' એ અમેરિકાની બોઇંગ અને યુરોપની એર બસ કંપની સાથે $80 બિલિયનનો કરાર કર્યો હતો. એર ઈન્ડિયાને આવનારા સમયમાં આ કંપનીઓ પાસેથી લગભગ 470 અત્યાધુનિક પેસેન્જર એરક્રાફ્ટ મળશે.