Anant-Radhika Wedding: ભારતના સૌથી મોટી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરાના લગ્નને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે. આ દેશના સૌથી મોટા લગ્ન સમારોહમાંથી એક હોવાનું કહેવાય છે. એકબાજુ દંપતી અને તેમના પરિવારો ફ્રેન્ચ ક્રૂઝ પર પ્રી-વેડિંગ ફંક્શનની ઉજવણી કરી રહ્યાં છે, તો બીજીબાજુ તેમના લગ્નનું આમંત્રણ કાર્ડ ઇન્ટરનેટ પર ઓનલાઇન સામે આવ્યું છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જોકે, આ લગ્ન પત્રિકા અંગે રિલાયન્સ કે અંબાણી પરિવારના કોઇ સભ્ય તરફથી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.


ઇન્ટરનેટ પર વાયરલ થયેલા લગ્નની પત્રિકા મુજબ, અનંત અને રાધિકા મુંબઈમાં બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) માં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં પરંપરાગત હિન્દુ વૈદિક સમારોહમાં લગ્ન કરશે. લગ્ન સમારોહ 12 જુલાઈ, શુક્રવારના રોજ થશે અને આમંત્રણ કાર્ડ પર તેને 'શુભ વિવાહ' નામ આપવામાં આવ્યું છે. ફંક્શન માટેનો ડ્રેસ કૉડ 'ઇન્ડિયન ટ્રેડિશનલ' તરીકે બતાવવામાં આવ્યો છે.


આ પછી, 13મી જુલાઈએ 'શુભ આશીર્વાદ' સમારોહ થશે, જેનો ડ્રેસ કૉડ 'ઇન્ડિયન ફૉર્મલ' હશે. અંબાણી પરિવારમાં ઉત્સવનું સમાપન 'મંગલ ઉત્સવ' એટલે કે વેડિંગ રિસેપ્શન સાથે થશે, જે 14 જુલાઈએ થશે. આ માટેનો ડ્રેસ કૉડ ભારતીય ઠાઠ હશે.






અનંત અને રાધિકા હાલમાં તેમના પરિવારના સભ્યો અને બૉલિવૂડ અને બિઝનેસ જગતના મિત્રો સાથે ચાર દિવસની લક્ઝરી ક્રૂઝ ટ્રીપ પર છે. સમુદ્રમાં ઉજવણી 29 મેથી શરૂ થઈ હતી અને 1 જૂનના રોજ સમાપ્ત થશે. આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રણવીર સિંહ, અનન્યા પાંડે, સારા અલી ખાન, સલમાન ખાન સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ કપલના પ્રી-વેડિંગની ઉજવણી કરવા માટે ક્રૂઝ પર છે.


ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચમાં અંબાણી પરિવારે જામનગરમાં એક ભવ્ય પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બૉલિવૂડની જાણીતી હસ્તીઓ એક છત્ર નીચે એકત્ર થઈ હતી. હવે દરેક લોકો અનંત અને રાધિકાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.