નવી દિલ્હીઃ રિલાયન્સ કોમ્યુનિકેશને સ્વિડિશ ટેલિકોમ કંપની એરિક્સનના બાકીના રૂપિયા 550 કરોડ મોટાભાઈ મુકેશ અંબાણીની મદદથી ચૂકવીને તેના ચેરમેન અનિલ અંબાણીને જેલમાં જતાં બચાવી લીધા છે. જો આ ચુકવણી કરવામાં આવી ન હોત તો અનિલ અંબાણીને ત્રણ મહિના જેલમાં જવું પડ્યું હોત.




આ બંને કંપનીઓ વચ્ચે છેલ્લા એક વર્ષથી કાનૂની જંગ ચાલતો હતો. એરિક્સનના વકીલે નાણાં મળી ગયા હોવાનું સમર્થન કર્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ચુકવણીની છેલ્લી તારીખ 19 માર્ચ હતી.



રિલાયન્સ કોમ્યુનિકેશનના પ્રવક્તાએ સોમવારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે એરિક્સનને 550 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. એરિક્સન કંપનીએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું.



અન્ય એક નિવેદનમાં અનિલ અંબાણીએ કહ્યું હતું કે, મારા મુશ્કેલભર્યા સમયમાં મારી પડખે રહેનારા મારા સન્માનીય મોટાભાઈ મુકેશ અને ભાભી નીતાનો હું દિલથી આભાર માનું છું. આ સંકટની ઘડીમાં મદદ કરીને તેમણે દર્શાવ્યું કે, પારિવારિક મૂલ્યોનું સચ્ચાઈ સાથે ઊભા રહેવું કેટલું જરૂરી છે. હું અને મારો પરિવાર ખુશ છીએ કે અમે જૂની વાતોથી આગળ નીકળી ગયા છીએ અને મોટાભાઈના આ પગલાં માટે હંમેશા તેમના આભારી રહીશું.