Bajaj Housing Finance IPO Listing: બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓના રોકાણકારોના રૂપિયા એક જ દિવસમાં ડબલ થઇ ગયા છે. આ આઇપીઓનું બજારમાં શાનદાર લિસ્ટિંગ થયું છે.


બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો IPO સોમવારે શેરબજારમાં લિસ્ટ થયો હતો.  લિસ્ટિંગના દિવસે જ તેણે રોકાણકારોને મોટો નફો આપ્યો છે. તેણે એક જ દિવસમાં રોકાણકારોના રૂપિયા ડબલ કરી દીધા છે.  તે BSE અને NSE બંને પર 114.29 ટકાના પ્રીમિયમ સાથે 150 રૂપિયા પર લિસ્ટ થયો હતો. IPOમાં એક શેરની કિંમત 70 રૂપિયા હતી. આમ રોકાણકારોએ એક શેર પર 80 રૂપિયાનો નફો કર્યો હતો. આ બમણા કરતાં વધુ છે. લિસ્ટિંગ પછી તેમાં તેજી જોવા મળી હતી.


રોકાણકારોએ દરેક લોટ પર થઇ આટલી કમાણી


બજાજ ગ્રુપના આ IPOમાં કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ 66-70 રૂપિયા નક્કી કરી હતી. જો અપર પ્રાઇસ બેન્ડ સાથે સરખામણી કરવામાં આવે તો રોકાણકારોએ લિસ્ટિંગ સાથે પ્રત્યેક શેર પર 80 રૂપિયાની કમાણી કરી છે. IPOના એક લોટમાં 214 શેર સામેલ હતા. આ રીતે બજાજના આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરવા માટે રોકાણકારોએ ઓછામાં ઓછા 14,980 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી હતું. લિસ્ટિંગ બાદ એક લોટની કિંમત વધીને 32,100 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે દરેક લોટ પર રોકાણકારોએ 17,120 રૂપિયાની કમાણી કરી છે.


આ IPOને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ આઇપીઓ 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી ઓપન રહ્યો હતો. 6560 કરોડનો આ ઈશ્યુ આ ત્રણ દિવસમાં 63.60 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. તેને 3 લાખ કરોડથી વધુની બિડ મળી હતી. ઈસ્યુ શરૂ થયાના થોડા કલાકોમાં જ તે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. કંપનીએ ફ્રેશ અને ઓફર ફોર સેલ (OFS) બંને શેર જાહેર કર્યા હતા. કંપનીએ OFS હેઠળ 3560 કરોડ રૂપિયાના મૂલ્યના 50.86 નવા શેર અને 3000 કરોડ રૂપિયાના 42.86 શેર જાહેર કર્યા હતા.


NSE ડેટા અનુસાર, IPOમાં ઓફર કરાયેલા 72,75,75,756 શેરની સામે કુલ 46,27,48,43,832 શેર માટે બિડ મુકવામાં આવી હતી. આ સિવાય ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) નો હિસ્સો 209.36 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. બિન-સંસ્થાકીય રોકાણકારોનું સેગમેન્ટ 41.50 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો અને રિટેલ રોકાણકારોનું સેગમેન્ટ 7.02 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.


આ IPOએ ગ્રે માર્કેટમાં પણ ધૂમ મચાવી દીધી હતી. ખુલતા પહેલા જ તેની જીએમપી 55.50 રૂપિયા થઈ ગઈ હતી. તે સમયે તે 80 ટકાના પ્રીમિયમ પર લિસ્ટિંગ થવાની ધારણા હતી. પરંતુ જેમ જેમ આઈપીઓનો સમય નજીક આવ્યો તેમ ગ્રે માર્કેટમાં તેની કિંમત વધી ગઈ. તે ગ્રે માર્કેટમાં 100 ટકાથી વધુના પ્રીમિયમ પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું હતું.