Bank of England Rate Hike: બેંક ઓફ ઈંગ્લેન્ડે ફરી એકવાર લોન મોંઘી કરી છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજદરમાં એક ક્વાર્ટર ટકા અથવા 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.5 ટકા કર્યો છે, જે 2008 પછી બ્રિટનમાં વ્યાજ દરનું સૌથી ઉંચુ સ્તર છે.


આ સતત 12મી વખત છે જ્યારે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે મોંઘવારી દરમાં વધારો કર્યા બાદ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેંકની નવ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજ દરોમાં વધારો કરવા માટે આ નિર્ણય લીધો છે. ફુગાવામાં મોટો ઉછાળો યુકે માટે એક મોટો પડકાર છે.


જોકે, રાહતની વાત એ છે કે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ હવે મંદીની વાત નથી કરી રહી. ફેબ્રુઆરીમાં, તેમણે અર્થતંત્રના વિકાસ દરમાં વધારો થવાની આગાહી કરી હતી. 1997 પછી વિકાસ દરના અંદાજમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. સેન્ટ્રલ બેંકનું માનવું છે કે ખાદ્ય ચીજવસ્તુઓના ઊંચા ભાવને કારણે મોંઘવારી દરમાં ઘટાડો તેની અપેક્ષા કરતાં ઓછો રહેશે. અગાઉ, ઘણા અર્થશાસ્ત્રીઓ માનતા હતા કે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ વ્યાજદરમાં વધુ વધારો કરશે નહીં, પરંતુ તેમની આગાહીઓ ખોટી સાબિત થઈ.


બેન્ક ઓફ ઈંગ્લેન્ડ આ વર્ષના અંત સુધીમાં ફુગાવાનો દર 5.1 ટકા રહેવાની અપેક્ષા રાખે છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડનું માનવું છે કે 2 ટકાનો લક્ષ્યાંક 2025 સુધીમાં જ પ્રાપ્ત કરી શકાશે. વ્યાજદરમાં વધારો કરવાનો આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના શાસક પક્ષને સ્થાનિક ચૂંટણીમાં ઝટકો લાગ્યો છે. રહેઠાણના વધતા ખર્ચ અને વીજળીના બિલમાં આંશિક સબસિડી આપવાના સરકારી પ્રયાસોથી મતદારો નારાજ થયા હતા.


ગયા અઠવાડિયે જ, અમેરિકાના ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જોકે ફેડના પ્રમુખ જેરોમ પોવેલે સંકેત આપ્યા છે કે અહીંથી વ્યાજદરમાં વધારો થશે નહીં.


ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે પોલિસી બેઠક બાદ જણાવ્યું હતું કે 'બેન્કિંગ સિસ્ટમ મજબૂત અને સ્થિતિસ્થાપક રહે છે'. જોકે, નાણાકીય વ્યવસ્થામાં ઉથલપાથલના કારણે ખર્ચ અને વૃદ્ધિ બંનેની ગતિ ધીમી પડી શકે છે.


ફેડ રિઝર્વ છેલ્લા 14 મહિનાથી સતત પોલિસી રેટમાં વધારો કરી રહ્યું છે. જેના કારણે ઓટો લોન, ક્રેડિટ કાર્ડ બોરોઇંગ અને બિઝનેસ લોનના વ્યાજ દર બમણા થઇ ગયા છે. તેના કારણે સ્થાનિક વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ વખતે ફેડના 0.25 ટકાના વધારા સાથે પોલિસી રેટ વધીને 5.1 ટકા થયો છે.


અમેરિકામાં મોંઘવારી દર 40 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. જે બાદ ફેડ રિઝર્વ સતત પોલિસી રેટ વધારીને ફુગાવાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી તેમાં સંપૂર્ણ સફળતા મળી નથી.