દેશના અગ્રણી ઉદ્યોગ જુથ ટાટા ગ્રુપે જાણીતી પેકેજ્ડ વોટર કંપની બિસ્લેરીને ખરીદવાની યોજના આખરે પડતી મુકી છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે આ મામલે સત્તાવાર જાહેરાત કરી છે. ટાટા ગ્રુપના જણાવ્યા પ્રમાણે, તેણે બિસ્લેરીના સંભવિત એક્વિઝિશન માટેની વાટાઘાટો રદ કરી છે. જો આ સોદો પાર પડ્યો હોત તો ટાટા જૂથ એક જ ઝાટકે પેકેજ્ડ વોટર સેગમેન્ટમાં અગ્રેસર બની ગયું હોત.


અગાઉ જાણવા મળ્યું હતું કે, બિસ્લેરી ઇન્ટરનેશનલ અને ટાટા ગ્રૂપ વચ્ચે વાતચીત ચાલી રહી છે અને આ સોદો રૂ. 6,000 થી 7,000 કરોડનો હોઈ શકે છે. પરંતુ તાજેતરના મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે, વેલ્યૂએશનના કારણે બંને પક્ષો વચ્ચેની વાતચીત અટકી ગઈ છે. બ્લૂમબર્ગના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, બિસ્લેરીના માલિકો આ સોદા માટે એક અબજ ડોલરની માંગ કરી રહ્યા હતા.


ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે, તેણે સંભવિત ટ્રાન્ઝેક્શન માટે બિસ્લેરી સાથે વાતચીત સમાપ્ત કરી દીધી છે. કંપનીએ આ સંબંધમાં કોઈ કરાર અથવા બાઈડિંગ કમિટમેંટ નથી કર્યું. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પાસે હિમાલયન નેચરલ મિનરલ વોટર અને ટાટા વોટર પ્લસ બ્રાન્ડ્સ છે. બિસ્લેરી ખરીદવાથી તેનો પેકેજ્ડ વોટર બ્રાન્ડ્સનો પોર્ટફોલિયો મજબૂત થયો હોત. કંપની એફએમસીજીમાં તેના બિઝનેસને ઝડપથી વિસ્તરી રહી છે અને આ સેક્ટરમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવવા માંગે છે. બીજી તરફ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ FMCG સેક્ટરમાં આક્રમક રીતે પોતાનો બિઝનેસ વધારી રહી છે.


રમેશ ચૌહાણે શું કહ્યું?


બિસ્લેરી ખરીદવાથી ટાટા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર સેગમેન્ટમાં અગ્રેસર બની ગયું હોત. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિલાયન્સ રિટેલ, નેસ્લે અને ડેનોને પણ તેમાં રસ દાખવ્યો છે. ટાટા સાથે બિસ્લેરીની વાતચીત બે વર્ષથી ચાલી રહી હતી. નવેમ્બરમાં બિસ્લેરીના ચેરમેન રમેશ ચૌહાણે કહ્યું હતું કે, તેમણે તેમની કંપની ટાટાને વેચવાનું મન બનાવી લીધું છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને ટાટા કન્ઝ્યુમરના સીઈઓ સુનીલ ડિસોઝાને મળ્યા બાદ તેમણે આ વાત કહી હતી.


ચૌહાણે કંપનીનું રોજનું કામ એક વ્યાવસાયિક ટીમને સોંપ્યું છે. એન્જેલો જ્યોર્જ કંપનીના સીઈઓ છે. નાણાકીય વર્ષ 2023માં કંપનીનું ટર્નઓવર 2,500 કરોડ રૂપિયા અને નફો 220 કરોડ થવાની ધારણા છે. બિસ્લેરી ઈટાલિયન બ્રાન્ડ તરીકે સ્થાપિત થઈ હતી. કંપનીએ 1965માં ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો. ચૌહાણે તેને 1969માં ખરીદી હતી. કંપની પાસે 122 ઓપરેશનલ પ્લાન્ટ છે. ભારત અને પડોશી દેશોમાં તેના 4,500 વિતરકો અને લગભગ 5,000 ટ્રક છે. ચૌહાણે તેની સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ્સ થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ અને લિમ્કા 1993માં કોકા-કોલાને વેચી દીધી હતી.