મુંબઈઃ જીડીપીનો વિકાસ દર અંદાજથી ઓછો થવા, પ્રોડકશન 15 મહિનાના નીચલા સ્તર પહોંચવું અને કોર સેક્ટરના ધીમા ગ્રોથની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 769.88 પોઇન્ટ તૂટીને 36562.91 પર આવી ગયો હતો. એક તબક્કે સેન્સેક્સ 800 પોઇન્ટથી વધુ ગબડ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 225.35 પોઇન્ટ ઘટીને 10797.90 પર બંધ રહ્યો હતો. ગણેશ ચતુર્થીના અવસર પર સોમવારે માર્કેટ બંધ રહ્યા બાદ આજે ખુલતાની સાથે જ ધડામ કરતું નીચે પટાકાયું હતું.



નબળા ઘરેલું આંકડા અને વૈશ્વિક વલણ વચ્ચે વાહન કંપનીઓના શેરોમાં ભાવે વેચવાલીથી બજારમાં ઘટાડો થયો હતો. કારોબારીઓના જણાવ્યા મુજબ, નબળા આર્થિક આંકડા અને ઓગસ્ટમાં અગ્રણી વાહન કંપનીઓના વેચાણમાં ઘટાડાની અસર શેરબજાર પર જોવા મળી રહી છે.



આજે બીએસઈ પર સૌથી વધારે ઘટનારા ટોપ પાંચ શેર આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા સ્ટિલ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી, ટાટા મોટર્સ હતા.જ્યારે ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, બીપીસીએલ, બ્રિટાનીયા શેરના ભાવ સૌથી વધારે વધ્યા હતા. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીનું ઓગસ્ટમાં વેચાણ ઘટીને 15 મહિનાના નીચલા સ્તર પર પહોંચી જવાથી શેરબજારમાં નિરાશા છે.



ગત અઠવાડિયાના અંતે નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે દેશની 10 સરકારી બૅન્કોનું વિલિનીકરણ કરી અને 4 બૅન્કોમાં રૂપાંતરીત કરાશે. આ બૅન્કોમાંથી પંજાબ નેશનલ બૅન્ક દેશની બીજી સૌથી મોટી બૅન્ક બનશે. આ ચાર બૅન્કોમાં સરકાર 28,700 કરોડ રૂપિયાની રોકડ ઠાલવશે. બૅન્કોમાં રોકડ આવવાથી તેમને લૉન આપવામાં સરળતા થશે. જોકે તેમ છતાં આજે તેની સકારાત્મક અસર શેરમાર્કેટ પર જોવા મળી નહોતી.