નવી દિલ્હીઃ આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંક લિમિટેડ (ABIPBL)એ શનિવારે ઓપરેશન બંધ કરવાની જાહેરાત કરી છે. બેંકેને અસ્તિત્વમાં આવ્યે માત્ર 17 મહિનાનો સમય થયો હતો. વોડાફોન આઈડિયા તરફથી આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે, બોર્ડ ઓફ ડાયરેક્ટરે બિઝનેસ બંધ કરવા માટે રેગ્યુલેટરી પાસે મંજૂરી માગી છે.


આદિત્ય બિરલા પેમેન્ટ્સ બેંક આઈડિયા સેલ્યુલર અને આદિત્ય બિરલા નૂવો લિમિટેડનું જોઈન્ટ વેન્ચર છે. તેમાં આદિત્ય બિરલા નૂવો લિમિટેડનો 51 ટકા હિસ્સો અને આઈડિયા સેલ્યુલરનો 49 ટકા હિસ્સો છે. આ દેશમાં ચાલી રહેલ કુલ 7 પેમેન્ટ બેંકમાંથી એક છે.



આદિત્ય બિરલા પેમેન્ટ્સ બેંક લિમિટેડે પોતાના ગ્રાહકોને મેસેજ દ્વારા જાણકારી આપી છે કે તેમના જમા રૂપિયા પરત પોતાના બેંક ખાતામાં લઈ લેવામાં આવે. આદિત્ય બિરલા પેમેન્ટ્સ બેંક આરબીઆઈ દ્વારા નિર્દેશિત નિયમો અનુસાર કામ કરતું રહેશે જેથી ગ્રાહકો પોતાના રૂપિયા ઉપાડી શકે અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય. બેંકની પાસે અંદાજે 20 કરોડ રૂપિયાની રોકડ જમા છે.

બેંકે ગ્રાહકોને મોકલેલ મેસેજમાં કહ્યું છે કે, ગ્રાહકો પોતાના રૂપિયાને એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી શકે છે. તેના માટે તે આદિત્ય બિરલા પેમેન્ટ્સ બેંકના નજીકના બેન્કિંગ પોઈન્ટ પર જઈને તેની મદદ લઈ શકે છે. 26 જુલાઈ બાદ ગ્રાહક આદિત્ય બિરલા પેમેન્ટ્સ બેંક લિમિટેમાં રૂપિયા જમા કરાવી શકશે નહીં. ઉપરાંત 18002092265 પર ફોન કરીને વધુ જાણકારી મેળવી શકાશે. ઉપરાંત ગ્રાહકો vcare4u@adityabirla.bank પર પણ ઈમેલ મોકલી શકે છે.