નવી દિલ્હીઃ 10 સરકારી બેંકોના વિલયની જાહેરાત બાદ સરકારે બેંકિંગ સેક્ટર સાથે સંકળાયેલો વધુ એક મહત્વનો ફેંસલો લેતા LIC સાથે મળીને IDBI બેંકને 9000 કરોડ રૂપિયાની મૂડી આપવાની જાહેરાત કરી છે. મંગળવારે મોદી સરકારે આ ફેંસલા પર મહોર લગાવી હતી. સરકારના આ પગલાથી ભારતીય જીવન વીમા નિગમ (LIC)ના માલિકીવાળી બેંકની ઋણ આપવાની ક્ષમતામાં વધારો થશે.


સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ બેઠક બાદ કહ્યું કે, આઈડીબીઆઈ બેંકના રીકેપિટલાઈઝેશનને મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં સરકાર અને એલઆઈસી બંને રૂપિયા નાંખશે. તેનાથી એલઆઈસી અને આઈડીબીઆઈ બંનેને ફાયદો થશે અને તેનાથી બેંકિંગના શ્રેષ્ઠ સ્તર સુધી પહોંચવાની સરકારની પ્રતિબદ્ધતા પણ સામે આવશે. કેન્દ્રયી મંત્રીએ જણાવ્યું કે, 9000 કરોડ રૂપિયામાંથી 4557 કરોડ રૂપિયા સરકાર આપશે, જ્યારે 4700 કરોડ રૂપિયા એલઆઈસી તરફથી આપવામાં આવશે.


એલઆઈસીએ સંકટમાં ફસાયેલી આઈડીબીઆઈ બેંકમાં 51 ટકા હિસ્સાનું અધિગ્રહણ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં જ પૂરું કર્યુ હતું. જે બાદ RBIએ આઈડીબીઆઈ બેંકને ખાનગી ક્ષેત્રની બેંકની શ્રેણીમાં રાખી હતી. ગત અઠવાડિયાના અંતે નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે દેશની 10 સરકારી બૅન્કોનું વિલિનીકરણ કરી અને 4 બૅન્કોમાં રૂપાંતરીત કરાશે. આ બૅન્કોમાંથી પંજાબ નેશનલ બૅન્ક દેશની બીજી સૌથી મોટી બૅન્ક બનશે. આ ચાર બૅન્કોમાં સરકાર 28,700 કરોડ રૂપિયાની રોકડ ઠાલવશે. બૅન્કોમાં રોકડ આવવાથી તેમને લૉન આપવામાં સરળતા થશે.  સરકારની જાહેરાત બાદ દેશમાં સરકારી બેંકોની સંખ્યા 27થી ઘટીને 12 થઈ જશે.

આજે IDBIના શેરમાં 7.66 ટકાનો ઉછાળો આવ્યો હતો અને 28.80 પર બંધ રહ્યો હતો.

શેરબજાર માટે મંગળવાર ‘અમંગળ’ સાબિત થયો, આ કારણે 800 પોઇન્ટનો બોલ્યો કડાકો