ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ તહેવારોની સિઝનમાં દિવાળી પહેલા મોદી સરકારે લાખો રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે શનિવારે રેલવે કર્મચારીઓને 78 દિવસ જેટલા પગાર બરોબર બોનસ આપવાનો નિર્ણય કર્યો છે.






ખાસ વાત એ છે કે આ બોનસ દશેરા પહેલા જ કર્મચારીઓને મળી જશે. રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારના આ નિર્ણય બાદ લગભગ 11.27 લાખ કર્મચારીઓને તેનો સીધો ફાયદો થશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બોનસ દશેરાથી દિવાળી વચ્ચે કર્મચારીઓને આપવામાં આવશે. આ બોનસ તમામ નોન ગેજેટ રેલ્વે કર્મચારીઓને મળશે.


કર્મચારીઓને બોનસમાંથી પ્રોત્સાહન મળશે


રેલવેએ તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે આ બોનસ કર્મચારીઓ માટે પ્રોત્સાહન તરીકે કામ કરશે. આ સાથે કર્મચારીઓ રેલવેની કામગીરીમાં પોતાનું સકારાત્મક યોગદાન આપી શકશે. બોનસ મળવાથી કર્મચારીઓની આ તહેવારોની સિઝનમાં ખરીદી કરવાની ક્ષમતા વધશે અને આ તહેવારોની સિઝનમાં અર્થતંત્રને પણ વધુ વેગ મળશે.


કોરોના સમયગાળા દરમિયાન રેલવે કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી


રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતુ ક કોરોના સમયગાળા દરમિયાન રેલવે કર્મચારીઓએ રેલવેના યોગ્ય સંચાલનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. દેશની અર્થવ્યવસ્થાને યોગ્ય રાખવામાં રેલવે કર્મચારીઓની મોટી ભૂમિકા રહી છે.


આ સાથે રેલવે મંત્રીએ રેલવે કર્મચારીઓના બોનસને મંજૂરી આપવા બદલ રેલવે વતી તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો છે. લોકડાઉન દરમિયાન રેલ્વેએ દેશમાં ખાદ્યપદાર્થો, કોલસો અને અન્ય આવશ્યક ચીજોની સપ્લાયમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેનાથી દેશમાં આર્થિક ગતિવિધિઓને વેગ આપવામાં મદદ મળી છે.


રેલવેએ ત્રીજી વંદે ભારત ટ્રેન શરૂ કરી


30 સપ્ટેમ્બર 2022ના રોજ પીએમ મોદીએ ગુજરાતના ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. દેશમાં દોડતી આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન ગાંધીનગર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે.