કોરોનાને કારણએ દેશનું અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. લોકો પાસે રૂપિયા નથી ત્યારે આવી પરિસ્થિતિમાં લોકો પર મોંઘવારીનો ડબલ માર પડી રહ્યો છે. અનેક કંપનીઓએ ઉપભોક્તા વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક સામાન, સ્માર્ટ ફોન વેગરેની કિંમત ફરીથી વધારી દીધી છે. આ વર્ષે આ વસ્તુઓમાં ત્રીજી વખત ભાવ વધારો થયો છે. વિતેલા સપ્તાહે મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, ઇલેક્ટ્રોનિક કતંપનીઓ, સોની, લજી અને ગોદરેજે પોતાની પ્રોડક્ટના ભાવમાં વધારો કર્યો હતો. ઉપરાંત શાઓમી, રિયલમી અને વિવોએ પોતાના સ્માર્ટફોનની કિંમતમાં વધારાની જાહેરાત કરી હતી. ઉપભોક્તા વસ્તુઓની વધતી કિંમતને કારણે કંપનીઓને ડર છે કે તેની માગ ઘટી ન જાય.


કાચા માલની કિંમતને કારણે ભાવ વધારો


રિપોર્ટ અનુસાર બજારમાં કાચા માલની કિંમત વધવાને કારણે પ્રોડક્ટની કિંમતમાં વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્ટીલ, એલ્યુમિનિયમ, રબર, કોપર, પ્લાસ્ટિક, રેયર મટિરિયલ અને અન્ય કાચા માલની કિંમતમાં વધારો થયો છે. મોટી એફએમસીજી કંપનીઓનું કહેવું છે કે, જો વસ્તુની પડતર કિંમત, પેકેજિંગ અને લોજિસ્ટિક ખર્ચ વધે તો તેની સીધી અસર રોજિંદી જરૂરી વસ્તુઓના વેચાણ પર પડશે. કોરોનાના કેસ ઘટ્યા છે પણ જો કાચા માલની કિંમતમા વધારો થશે તો આગળ પણ પ્રોડક્ટની કિંમતમાં વધારો કરવો પડશે જેની સીધી અસર માગ પર થશે. આ કારણે વેચાણ ઘટશે અને તેના કારણે કંપનીઓને ખોટનો સામનો કરવો પડી શકે છે.


ફરીથી કિંમત વધવાની શક્યતા


કાચા માલની કિંમતમાં વધારાને કારણે સામાન્ય લોકો માટે એક જુલાઈથી હોમ એપ્લાયન્સીસની ખરીદી મોંઘી પડશે. કારણ કે AC, TV, ફ્રીઝ સહિત અન્ય પ્રોડક્ટ બનાવતી કંપનીએ પોતાની પ્રોડક્ટની કિંમત વધારવાની જાહેરાત કરી છે. તેની કિંમત અંદાજે 3-4 ટકા વધી શકે છે. એ રિપોર્ટ અનુસાર હોમ એપ્લાયન્સિસ સેક્ટરની મુખ્ય કંપની બજાજ ઇલેક્ટ્રોનિક્સ જુલાઈથી ઓગસ્ટ દમરિયાન પોતાની તમામ પ્રોડક્ટ્સના ભાવમાં ઓછામાં ઓછા 3 ટકાનો વધારો કરવાની તૈયારીમાં છે. તેવી જ રીતે ગોદરેજ એપ્લાયન્સિસ પણ બીજા ક્વાર્ટરમાં પ્રોડક્ટ્સની કિંમતમાં બે વખતમાં 7-8 ટકા વધારો કરી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, કોપર, સ્ટીલ સહિત અન્ય મેટલ્સની કિંમત વધવાથી એપ્લાયન્સિસની કિંમત વધી છે.


AC બનાવતી કંપની બ્લૂ સ્ટાર પમ 1 સપ્ટેમ્બરથી 5-8 ટકા ભાવ વધારવાની તૈયારીમાં છે. એલઈડી પેનલ અને સેમી કન્ડક્ટરની ઘટને કારણે ટીવીની કિંમત પણ વધી શકે છે. આ વધારો 12-15 ટકા જેટલો હોઈ શકે છે.