નવી દિલ્હી. સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. લાઈફ ઈન્શ્યોરન્સ કાઉન્સિલે વીમાધારકોને રાહત આપતા જણાવ્યું છે કે, કોઈપણ વીમા કંપની કોવિડ -19ને કારણે થયેલા મૃત્યુના ક્લેમને નકારી શકશે નહીં. આ સિવાય સરકારી અને ખાનગી એમ બંને પ્રકારની વીમા કંપનીઓએ કોરોના વાયરસથી જોડાયેલા ડેથ ક્લેમની વહેલી તકે કાર્યવાહી કરવાની રહેશે. નોમિનીને ડેથ બેનિફિટ હેઠળ સંપૂર્ણ રકમ મળશે.

કાઉન્સિલે આ સંદર્ભમાં નિવેદન બહાર પાડ્યું છે. તેમાં તેમણે કહ્યું છે કે, જાહેર અને ખાનગી બંને પ્રકારની જીવન વીમા કંપનીઓ કોવિડ -19 સંબંધિત કોઈપણ મૃત્યુ દાવાના નિકાલ માટે પ્રતિબદ્ધ છે. કાઉન્સિલના જણાવ્યા મુજબ, કોવિડ -19થી થયેલા મૃત્યુના ક્લેમ બાબતમાં 'ફોર્સ મેજ્યોર'ની જોગવાઈ લાગુ થશે નહીં.

ફોર્સ મેજ્યોરનો અર્થ એવી અણધારી ઘટનાઓથી છે જ્યારે કોન્ટ્રાક્ટનું પાલન કરવું બંધનકર્તા હોતું નથી. તેમાં એક્ટ ઓફ ગોડ અથવા કુદરતી આફતો, યુદ્ધ અથવા આવી પરિસ્થિતિઓ, રોગચાળો, હડતાલ વગેરે સામેલ છે.

કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનથી લોકોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી વીમા રેગ્યુલેટર ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDA)એ જીવન વીમા પોલિસીધારકોને મોટી રાહત આપી છે. IRDAએ જીવન વીમા પોલિસી ધારકોને પ્રીમિયમ ચૂકવણી માટે 30 દિવસનો વધુ સમય આપ્યો છે. તેનો ફાયદો એ પોલિસીધારકોને થશે તેના રિન્યૂઅલની ડેટ માર્ચ અને એપ્રિલમાં આવે છે. તેમને પ્રીમિયમ ચૂકવણી માટે વધારાના 30 દિવસ મળશે.