મુંબઈઃ કોરોનાના નવા મામલાની સંખ્યા ઘટતા અને અમેરિકન બજારમાં 7 ટકાથી વધુ આવેલા ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. ત્રણ દિવસની રજા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત વધારા સાથે થઈ હતી અને દિવસના અંતે ઐતિહાસિક ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બેંકિંગ, ફાર્મા, રિયલ્ટી, એફએમસીજી શેરોમાં તેજી જોવા મળી હતી.


સેન્સેક્સ 2476.26 પોઈન્ટના હનુમાન કૂદકા સાથે 30,067.21ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 708.4ના વધારા સાથે 8792.20 પર બંધ રહી હતી.

બેંકિંગ સેકટરમાં 20 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. આજના ઐતિહાસિક વધારાના કારણે રોકાણકારોની સંપત્તિમાં આશરે 7 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

બીએસઈ પર સૌથી વધારે ઉછાળો ડો.રેડ્ડીના શેરમાં જોવા મળ્યો હતો. ડો. રેડ્ડીનો શેર 459.15 (14.60 ટકા)રૂપિયાના વધારા સાથે 3603.95 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ શેરમાં સૌથી વધુ ટર્નઓવર જોવા મળ્યું હતું. રિલાયન્સનો શેર 1206.40 પર બંધ થવાની સાથે 145.01 કરોડનું ટર્નઓવર આજના દિવસે નોંધાયું હતું.

શેરબજારમાં આવેલા સૌથી મોટા ઉછાળા

તારીખ                          ઉછાળો(પોઈન્ટમાં)

7 એપ્રિલ, 2020               2476.26

20 સપ્ટેમ્બર, 2019         2280

18 મે, 2009                    2110

20 મે, 2019                    1421

25 જાન્યુઆરી, 2008     1139