નવી દિલ્હીઃ ઓટોમોબાઈલ સેક્ટર બાદ મંદીનો માર હવે કાપડ ઉદ્યોગ સુધી પહોંચ્યો છે. કોટન મિલ ભારે ખોટનો સામનો કરી રહી છે કારણ કે મિનિમમ સપોર્ટ પ્રાઈસ એમએસપી વધારે છે. દેશની ત્રીજા ભાગની ઉત્પાદન ક્ષમતા બંધ થઈ ગઈ છે. આ સેક્ટરમાં કામ કરી રહેલ લોકો 2010-11 જેવી મંદી જોઈ રહ્યા છે. ભારતીય કપાસ માટે કોઈ ખરીદદાર નથી મળી રહ્યું. હજારો લોકોની નોકરી જવાનું જોખમ છે.


કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલ લોકોનું કહેવું છે કે, જીએસટી તેમજ બીજા ટેક્સના કારણે ભારતીય યાર્ન વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવી સ્થિતિમાં જ નથી. યાર્નની નિકાસમાં ગત વર્ષની સરખામણીએ 34 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ ઉદ્યોગને કારણે સીધી કે આડકતરી રીતે 10 કરોડ લોકો રોજગારી મેળવી છે. કૃષિ ક્ષેત્ર બાદ આ જ ઉદ્યોગ સૌથી વધારે રોજકારી આપે છે. આ સંકટ વધારે ઘેરૂ બન્યુ તો હજારો લોકો રોજગારી ગુમાવશે. નોર્ધન ઈન્ડિયા ટેક્સટાઈલ મિલ એસોસિએશને તો સરકાર સમક્ષ તાત્કાલિક પગલા ભરવા માટે માગં કરી છે.

ભારતીય મિલોને રો મટિરિયલ માટે ઉંચી કિંમત ચુકવવી પડી રહી છે. જેના કારણે પ્રતિ કિલો 20 થી 25 રૂપિયા નુકસાન થઈ રહ્યુ છે. મિલોની માંદી હાલતના કારણે કપાસની ખરીદી પર પણ અસર પડશે. જો આ જ હાલત રહી તો આગામી સિઝનમાં 80,000 કરોડના કપાસની ખરીદી કરનાર પણ કોઈ નહી હોય.