Crude Oil Price : વિશ્વની સૌથી મોટી બેંકોમાંની એક ક્રેડિટ સુઈસના ડૂબવાના સમાચાર વચ્ચે વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં લગભગ 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકન તેલમાં 5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિડલ ઇસ્ટ ઓઇલની કિંમતમાં પણ લગભગ 5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ દોઢ વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગયા છે. આ સાથે ભારતીય વાયદા બજારમાં કાચા તેલમાં લગભગ 6 ટકાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. જાણકારોના મતે ક્રૂડ ઓઈલમાં ઘટાડાને કારણે આ વર્ષે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 15 રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે.

વિદેશી બજારોમાં ક્રૂડ ઓઈલ તૂટ્યું

નાણાકીય ક્ષેત્રે આવેલા ભૂકંપની અસર કાચા તેલની કિંમતમાં પણ જોવા મળી રહી છે. બ્લૂમબર્ગ કોમોડિટી અનુસાર, બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં 5 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે બ્રેન્ટ ક્રૂડ લગભગ 4 ડોલર પ્રતિ બેરલ ઘટીને 73.62 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જેની કિંમત પ્રતિ બેરલ $72 થી નીચે જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જ્યારે અમેરિકન ઓઇલ WTIની કિંમતમાં 5.26 ટકાનો ઘટાડો થયો છે અને કિંમત બેરલ દીઠ $ 3.63 ઘટીને $ 67.70 પ્રતિ બેરલ થઈ ગઈ છે. બંને ક્રૂડ ઓઈલના ભાવ ડિસેમ્બર 2021ના નીચલા સ્તરે આવી ગયા છે.

ભારતમાં ક્રૂડ ઓઈલ 6 ટકા સસ્તું થયું

બીજી તરફ ભારતના વાયદા બજારમાં કાચા તેલની કિંમતમાં લગભગ 6 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને કિંમત 346 રૂપિયા ઘટીને 5,637 રૂપિયા પ્રતિ બેરલ પર આવી ગઈ છે. ટ્રેડિંગ સેશન દરમિયાન ક્રૂડ ઓઇલ રૂ. 5,617 સુધી પહોંચી ગયું હતું. જો કે, ફ્યુચર્સ માર્કેટમાં ક્રૂડ ઓઇલ રૂ. 5,968 પર ખુલ્યું હતું. નિષ્ણાંતોનું માનીએ તો ક્રૂડ ઓઈલ 5,500 રૂપિયા સુધી નીચે આવવાની શક્યતા દેખાઈ રહી છે.

પેટ્રોલ સસ્તું થશે?

કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલની કિંમતમાં વધુ ઘટાડો થઈ શકે છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત $72 સુધી જઈ શકે છે. જેની પહેલાથી જ આગાહી કરવામાં આવી રહી હતી. વાસ્તવમાં નાણાકીય ક્ષેત્ર ડૂબવાને કારણે કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. IIFLના વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર અને ઓઈલ માર્કેટ કંપનીઓના સંયુક્ત પ્રયાસોથી ઈંધણની કિંમતમાં 15 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થઈ શકે છે.