નવી દિલ્હીઃ મોટે ભાગે જોવા મળતું હોય છે કે લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ પૂરાવતા સમે પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં હોય છે. ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર  કેશબેક સહિત અન્ય ઓફર્સ મળતી હોય છે. પરંતુ હવે 1 ઓક્ટોબરથી કેશબેકની સુવિધા નહીં મળે.


દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ પોતાના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને એક SMS  મોકલ્યો છે. આ SMSમાં એસબીઆઈએ કહ્યું કે, 1 ઓક્ટોબરથી પેટ્રોલ પંર પર પેટ્રોલ કે ડીઝલ ખરીદતા સમયે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ  કરવા પર મળતી 0.75 ટકાનૂ છૂટ બંધ કરવામાં આવી રહી છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓની ભલામણ પર બેંકે આ નિર્ણય કર્યો છે.



ઉલ્લેખનીય છે કે 2016માં નોટબંધી બાદ સરકારે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ જેમકે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન(બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન(એચપીસીએલ)ને પેટ્રોલ-ડીઝલની ખરીદ પર કાર્ડથી પેમેન્ટ કરતા ગ્રાહકોને 0.75 ટકા છૂટ આપવાના નિર્દેશ આપ્યા હતા. આ સાથે સરકારે પેટ્રોલિયમ કંપનીઓને કાર્ડથી ચુકવણી પર ‘મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ’(MDR)નો ભાર પણ પોતા પર વહન કરવાના નિર્દેશ આપ્યા હતા.

સામાન્ય રીતે MDRનો ભાર રિટેલર પર હોય છે. આપને જણાવી દઈએ કે MDR એક એવી ફીસ છે જે દુકાનદાર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરનાર પાસેથી વસૂલે છે. જે સંબંધીત બેંક અને પ્વાંઇટ ઓફ સેલ્સ(POS) મશીન જારી કરનાર બેંકને આપવામાં આવે છે.