બચતમાં ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ ઘરેલુ સ્તરમાં બચતમાં થતો ઘટાડો છે. પાંચ વર્ષમાં પરિવારોની બચત જીડીપીના આશરે છ ટકા જેટલી ઘટી છે. નાણાકીય વર્ષ 2012માં ઘરેલુ બચત દર 23.6 ટકા હતો તે 2018માં ઘટીને 17.2 ટકા જ રહી ગયો છે. એસબીઆઈનું કહેવું છે કે આ મુદ્દો માત્ર રેટ ઘટાડવાથી નહીં ઉકલે, સરકારે પણ પહેલ કરવી પડશે.
બેંકે તેની રિસર્ચ નોટમાં લખ્યું કે, કેપિટલ ગેન ટેક્સને હટાવ્યા બાદ 2018માં નાણાકીય બચત પર કઈંક અસર જોવા મળી છે, પરંતુ 2019માં વધુ ઘટાડો થયો છે. બેંકનું કહેવું છે કે ગ્રામીણ ક્ષેત્રમાં સરકારે માંગ વધારવા માટે કેટલાક ખર્ચને પ્રોત્સાહન આપવું જોઈએ. ખેડૂતોને આર્થિક મદદની જે સસ્કીમ શરૂ કરી છે તેમાં હજુ સુધી લક્ષ્યાંકથી ઓછી ફાળવણી ખેડૂતોને થઈ છે. પીએમ-કિસાન પોર્ટલના આંકડા જણાવે છે કે લક્ષ્યથી આશરે અડધા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. જૂન 2019 સુધી 6.89 કરોડ ખેડૂતોનું વેલિડેશન થયું હતું, જેની સામે ટાર્ગેટ 14.6 કરોડ હતો. જેને વધારીને ગ્રામીણ માંગ વધારી શકાય છે.