નવી દિલ્હીઃ સાઉદી અરબની ઓઈલ કંપની અરામકોના ક્રૂડ પ્લાન્ટ પર ડ્રોન દ્વારા હુમલો કર્યા બાદ ક્રૂડ બજારમાં અફરાતફરીનો માહોલ છે. વિશ્વની સૌથી મોટી ક્રૂડ ઉત્પાદનક કંપની સાઉદી અરામકોની રિફાઈનરી પર ડ્રોન હુમલા બાદ વૈશ્વિક બજારમાં ક્રડૂ ઓઈલનું પ્રોડક્શન પ્રતિ દિવસ 57 લાખ બેરલ સુધી ઘટી ગયું છે, જે કંપનીના કુલ ઉત્પાદન કરતાં લગભગ અડધું છે. તેના કારણે આવનારા દિવસોમાં ભારત સહિત વૈશ્વિક બજારમાં ક્રૂડનો પુરવઠો ખોરવાઈ તેવી શક્યતા છે. જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં જોરાત તેજી જોવા મળી રહી છે. તેની સીધી અસર ભારતીય બજારમાં પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં જોવા મળી શકે છે.


હુમલા બાદ100 વર્ષમાં પહેલીવાર ક્રૂડમાર્કેટની સામે સપ્લાયનું સંકટ ઊભું થયું છે. સાઉદી સરકારનું કહેવું છે કે તે આ સ્થિતિને પહોંચી વળશે પણ એવું ન થાય તો મુશ્કેલી સર્જાશે. તેથી ક્રૂડના ભાવ બેરલ દીઠ 100 ડોલર થવાની સંભાવના છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર થઈ શકે છે. જો ક્રૂડ 100 ડોલર થશે તો 49 ટકાનો ભાવ વધારો આવી શકે છે. 13 સપ્ટેમ્બરે ક્રૂડનો ભાવ બેરલદીઠ 60.38 ડોલર હતો. હુમલા બાદ વૈશ્વિકક્રૂડ બજારમાં ભાવ 10 ટકા સુધી ઉછળી ગયા છે. બીજીબાજુ યુએસએ કહ્યું કે સાઉદીમાં ઈરાને હુમલો કરાવ્યો હતો. જ્યારે જવાબમાં ઈરાને કહ્યું કે અમે હુમલો કરાયો નથી તેમ છતાં અમે યુદ્ધ માટે તૈયાર છીએ.​​​​​​​

સાઉદી અરેબિયાની તેલ કંપની અરામકોએ બે મોટી રિફાઈનરીઓ પર યમનના હૂતી વિદ્રોહીઓએ શનિવારે ડ્રોનથી હુમલો કર્યો હતો. તેના કારણે બંને જગ્યાએ ઓઈલનું ઉત્પાદન કામચલાઉ ઘોરણે બંધ કરવામાં આવ્યું છે. સાઉદીના ઉર્જા મંત્રીએ જણાવ્યું કે આ કારણે દેશનું કુલ ઓઈલનું ઉત્પાદન અડધું થઈ ગયું છે. હુમલાના કારણે પ્રત્યેક દિવસે 57 લાખ બેરલ ક્રુડ ઓઈલના ઉત્પાદનને અસર થઈ રહી છે. ​​​​​​​અરામકોના સીઈઓ અમીન નસીરે કહ્યું કે કંપની ઝડપથી ઓઈલ સપ્લાઈ શરૂ કરવાની કોશિશ કરી રહી છે. અગામી બે દિવસમાં આ અંગે એક અપડેટ બહાર પાડવામાં આવશે.

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ અરામકો પરના આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. પોમ્પિયોએ કહ્યું કે ઈરાને વિશ્વભરની ઉર્જાની જરૂરીયાતો પર હુમલો કર્યો છે. અગાઉ સઉદી અરબ પણ ઈરાન પર વિદ્રોહિયોને હથિયાર આપવાનો આરોપ લગાવી ચૂક્યું છે. શનિવારે હૂતી વિદ્રોહિયોએ દાવો કર્યો કે અરામકો પર હુમલો કરવા માટે તેમણે 10 ડ્રોન્સનો ઉપયોગ કર્યો.