નવી દિલ્હીઃ કોરોનાના કહેરની અસર શેરબજાર પર હજુ પણ જોવા મળી રહી છે. નવા કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની શરૂઆત મોટા કડાકા સાથે થઈ છે. આજે શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 2466 અંકના કડાકા સાથે ખૂલ્યો હતો.


નિફ્ટીમાં પણ 700 પોઇન્ટનું ગાબડું પડ્યું હતું. ડોલર સામે રૂપિયો પણ 76ના સ્તરને પાર કરી ગયો છે. નિફ્ટી 8000ના સ્તર પર આવી ગઈ છે. બેંકિંગ શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.

ભારતમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાયરસને અંકુશમાં રાકવા સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે અમલી બનાવવામાં આવેલા વિવિધ નિયંત્રણોના કારણે વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. મોલ, માર્કેટ બંધ કરાતા દેશભરમાં રિટેલર્સને પણ ફટકો પહોંચ્યો છે. એક સપ્તાહથી ઉદભવેલી પ્રતિકૂળ પરિસ્થિતિના કારણે ભારતીય વેપાર ધંધાને 60 કરોડ ડોલરથી વધુ નુકસાન થયાનો અંદાજ છે.

સેન્સેક્સમાં બોલેલા સૌથી મોટા કડાકા

તારીખ                       કડાકો

12  માર્ચ, 2020        2919

16 માર્ચ, 2020         2713

9 માર્ચ, 2020           1942

18 માર્ચ, 2020         1709

24 ઓગસ્ટ, 2015     1624

28 ફેબ્રુઆરી, 2020   1448

21 જાન્યુ., 2008       1408

24 ઓક્ટો., 2008     1070

2 ફેબ્રુઆરી, 2020     987

17 માર્ચ, 2008         951

3 માર્ચ, 2008           900

17 માર્ચ, 2020         810.98

કોરોનાને લઈ ભારતમાં કેવી છે સ્થિતિ

મહામારી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા રોજબરોજ વધી રહી છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 390ને પાર કરી ગઈ છે અને 7 લોકોના મોત થયા છે. કોરોનાના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખી સરકાર અનેક પગલા ભરી રહી છે.  આ ઉપરાંત 10થી વધારે રાજ્યોમાં લોકડાઉનની જાહેરાત કરાઈ છે.