નવી દિલ્હી: દેશમાં ખતરનાક કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ત્રણ હજારને પાર પહોંચી છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં 62 લોકોના મોત થયા છે. 200થી વધુ લોકો આ બીમારીમાંથી સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં તબ્લીગી જમાતના સદસ્યોના કારણે 14 રાજ્યોમાં કરોનાના 647 દર્દીઓ સામે આવ્યા છે.


હવે કોરોના વાયરસ ભારતીય ઈકોનોમી માટે પણ મોટું સંકટ બની રહ્યો છે. પહેલાથી જ સુસ્ત ગતિએ ચાલતી ઈકોનોમોનો ગ્રોથ રેટ 30 વર્ષના નીચલા સ્તર પર જઈ શકે છે, રેટિંગ એજન્સી ફિચે આ અંદાજ વ્યક્ત કર્યો છે.


ફિચ રેટિંગ્સે એક નિવેદનમાં કહ્યું, ચાલુ વર્ષે વૈશ્વિક મંદીની આશંકા છે અને માર્ચ 2021ના રોજ ખતમ થતા નાણાકીય વર્ષમાં ભારતનો વૃદ્ધિ દર ઘટી શકે છે. આ પહેલા ફિચે અંદાજ વ્યક્ત કર્યો હતો કે ભારતનો જીડીપી ગ્રોથ રેટ 5.1 ટકા રહેશે.


ફિચ પહેલા એશિયન વિકાસ બેંકે પણ નાણાકીય વર્ષ 2021 માટે ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને 4 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.