નવી દિલ્હીઃ આર્થિક મોરચા પર ભારત માટે એક સારા સમાચાર છે. ભારતમાં બિઝનેસ કરવો હવે સરળ બની ગયો છે. મોદી સરકાર દ્ધારા આ દિશામાં કરવામાં આવેલા પ્રયાસોને હવે વર્લ્ડ બેન્કે પણ સ્વીકાર્યા છે. વર્લ્ડ બેન્કની ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં 14 રેન્કિંગની સુધારો કરી ભારત હવે 63મા નંબર પર પહોંચ્યો છે.


ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ એટલે કે બિઝનેસ કરવામાં સરળતા માટેની રેન્કિંગ એવા સમયે આવી છે જ્યારે દેશમાં મંદીના ભણકારા વાગી ગયા છે. વર્ષ 2014માં જ્યારે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બની ત્યારે ભારતની રેન્કિંગ 190 દેશોમાં 142મા સ્થાન પર હતી. છેલ્લા વર્ષે ભારત દેશ રેન્કિંગમાં 77મા સ્થાન પર પહોંચ્યો હતો.

ભારત આ યાદીમાં સતત ત્રીજા વર્ષે સારુ પ્રદર્શન કરનારા દેશમાં સામેલ છે. આ રેન્કિંગ એવા સમયે આવી છે જ્યારે ભારતીય રિઝર્વ બેન્ક, વર્લ્ડ બેન્ક, આઇએમએફ સહિત અનેક એજન્સીઓએ મંદીને જોતા દેશની જીડીપીનો અંદાજ ઘટાડ્યો છે.