મુંબઈઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સાંજે આશ્ચાસન આપ્યું કે, આગામી 30 દિવસોમાં યસ બેંક (Yes Bank)નું પુનર્ગઠન કરી દેવાશે. સીતારમણે આ સ્ટેટમેન્ટના કેટલાક કલાકો બાદ યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂરના મુંબઈમાં આવેલા ઘર પર ઈડીએ દરોડો પાડ્યો છે. ઈડીએ રાણા કપૂરની સામે કેસ પણ નોંધ્યો છે.

દરોડા દરમિયાન ઈડીએ યસ બેંક સાથે સંલગ્ન દસ્તાવેજો તપાસ્યા છે. જોકે, ઈડી તરફથી આ દરોડાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. રિપોર્ટ મુજબ, રાણા કપૂરને લુકઆઉટ નોટિસ આપવામાં આવી છે. એટલે કે, રાણા કપૂર તપાસ પૂરી થયા સુધી દેશની બહાર જઈ શકશે નહીં.

એક અધિકારીના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે ઈડી પૂર્વ ઇડીના સીઈઓ રાણા કપૂરના ઘરે દરોડા પાડી રહી છે. ઇડીના અધિકારી રાણા કપૂરને બેંક દ્વારા DHFLને આપવામાં આવેલી લોન અંગે પૂછપરછ કરી રહ્યા છે. નિર્મલા સીતારામણે DHFLનું નામ લીધા બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.



યસ બેંક ઓગસ્ટ, 2018 થી સંકટમાં છે. તે સમયે, રિઝર્વ બેંકે તત્કાલીન સીઇઓ રાણા કપૂરને 31 જાન્યુઆરી, 2019 સુધીમાં બેંકની કામગીરી અને લોન સાથે સંકળાયેલા ગોટાળાનાં કારણે પદ છોડવાનું કહ્યું હતું. તેમના અનુગામી રવનીત ગિલની આગેવાની હેઠળ બેંકે સંકટગ્રસ્ત દેવાની માહિતી પ્રકાશિત કરી. માર્ચ, 2019ના ત્રિમાસિક ગાળામાં પ્રથમ વખત બેંકને નુકસાન થયું હતું.

જુલાઈ 2019માં અહેવાલ આવ્યા હતા કે, રાણા કપૂરની ભાગીદારી એક ચતુર્થાંશ ઘટીને માત્ર 3.92 ટકા રહી ગઈ છે, જે જૂનમાં 11.88 ટકા હતી. રાણાની બે સંસ્થાઓ- યસ કેપિટલ અને મોર્ગન ક્રેડિડ્સે પોતાની ભાગીદારીને 6.29 ટકાથી ઘટીને માત્ર 0.80 ટકા કરી દીધી હતી.

તે ઉપરાંત નિપૉન ઈન્ડિયા એએમસીએ રાણા કપૂર તરફથી ગીરવે રાખવામાં આવેલા શેર્સની હરાજી કરી હતી. કપૂરની પાસે બેંકની 0.80 ટકા ભાગીદારી બચી છે. જણાવાઈ ર્હયું છે કે, હાલમાં યસ બેંકમાં રાણા કપૂરની ભાગીદારી લગભગ શૂન્ય છે.

રાણા કપૂર પર આરોપ છે કે અંગત સંબંધોને ધ્યાનમાં રાખીને તેમણે યસ બેંકમાંથી લોન્સ આપી. યસ બેંકએ અનિલ અંબાણી ગ્રુપ, આઈએલએન્ડ એફએશ, સીજી પાવર, એસ્સાર પાવર, એસ્સેલ ગ્રુપ, રેડિયસ ડેવલપર્સ અને મંત્રી જેવા ગ્રુપ્સને લોન આપી છે. તે ડિફોલ્ટર થવાથી યસ બેંકની આ હાલત થઈ છે. આરોપ છે કે આ મોટા બિઝનેસ હાઉસોને લોન અપાવવામાં રાણા કપૂરની સંમતિ રહી. વર્ષ 2018માં રાણા કપૂર પર લોન અને બેલેન્સીટમાં ગરબડનો આરોપ લાગ્યો હતો, તે પછી આરબીઆઈએ તેમને ચેરમેનના પદથી હટાવી દીધા હતા.

આ સમાચાર આવ્યા બાદ યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂરે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેઓ છેલ્લાં 13 મહિનાથી સક્રિય નથી, આથી આ સંકટ પર તેઓ કંઇ કહી શકે નહીં.