રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાયો છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મગફળી અને કપાસ સહિત અન્ય પાકોનું 20 લાખ હેક્ટરમાં આગોતરૂ વાવેતર કરી દીધું છે. જોકે હવે વરસાદ ખેંચાતા પાક સૂકાવાનો ભય ઉભો થયો છે. આવા જ એક ચિંતિત ખેડૂત છે રાજકોટના પડધરી તાલુકાના નાની અમરેલી ગામના રમેશભાઈ પાંભર.  


રમેશભાઈ 17 વીઘા જમીન ધરાવે છે. જેમાં તેમણે લીધો છે મગફળી અને ડુંગળીનો પાક. પરંતુ વરસાદ ખેંચાતા રમેશભાઈની મુશ્કેલી વધી ગઈ છે. પાણી વિના પાક સુકાવા લાગ્યો છે. રમેશભાઈ પાસે પિયત માટે કોઈ વ્યવસ્થા નથી. કુવામાં પાણી સુકાઈ ગયુ છે. જો મેઘરાજા હાથતાળી આપશે તો બિયારણ અને ખાતર સહિત કરેલો 50 હજારનો ખર્ચ માથે પડશે. જેને લઈ હવે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા પધરામણી કરે. નહીં તો ખેડૂતોને આંસુ સારવાનો વારો આવશે.


118 ડેમમાં 25 ટકા ઓછું પાણી


રાજ્યમાં અત્યાર સુધીમાં 14.63 ટકા વરસાદ થયો છે. ગયા વર્ષના જુન મહિનામાં 14.71 ટકા વરસાદ થયો હતો. રાજ્યના 206 જળાશયોમાં 39 ટકા જળસંગ્રહ છે. માત્ર બે ડેમો જ સંપૂર્ણ ભરેલા છે. બંન્ને જળાશયો અમરેલી જિલ્લાના છે. 65 જળાશયોમાં 10 ટકાથી ઓછુ પાણી છે. જ્યારે 118 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછુ પાણી બચ્યું છે.


સરદાર સરોવરમાં 43 ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં જળસપાટી 9.24 મીટર ઘટી છે. હાલમાં સરદાર સરોવર ડેમની જળસપાટી 113.12 મીટર છે. પાંચ જુન 2020એ સરદાર સરોવર ડેમની જળસપાટી 122.36 મીટર હતી. રાજ્યના છ જળાશયોમાં જ 80  ટકાથી વધારે પાણી છે.


ઉત્તર ગુજરાત અને કચ્છમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. મધ્ય ગુજરાતમાં 44 ટકાથી વધારે જ્યારે દક્ષિણ ગુજરાતમાં 40 ટકા પાણી છે.


સૌરાષ્ટ્રમાં 31 ટકા જળસંગ્રહ છે. સૌથી ઓછો જળસંગ્રહ ધરાવતા જિલ્લાઓમાં બનાસકાંઠામાં સાત ટકા, ખેડામાં ચાર ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2.54 ટકા જળસંગ્રહ છે. ગત વર્ષે ત્રણ જુલાઈ સુધી 45.67 ટકા જળસંગ્રહ હતો.


વાવણી બાદ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં છે. જો એક સપ્તાહમાં સારો વરસાદ ન પડે તો પાક નિષ્ફળ જવાનો પણ ભય છે.


છેલ્લા 30 વર્ષમાં સૌથી વધારે 50 ઈંચ વરસાદ 1994માં જ્યારે સૌથી ઓછો 18 ઈંચ વરસાદ વર્ષ 2000માં થયો હતો. 2020માં કુલ વરસાદના 58 ટકા વરસાદ એકલા ઓગસ્ટ મહિનામાં જ વરસ્યો હતો. તો 2005, 2006 અને 2007 એમ સતત ત્રણ વર્ષ સતત 40 ઈંચથી વધારે વરસાદ થયો હતો.