એમેઝોન ગ્લોબલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ભારતના વડા અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, એમેઝોનનો આ સૌથી મોટો ઉદઘાટન દિવસ બની ગયો છે. તેમણે કહ્યું કે અમારા 91% ગ્રાહકો ટાયર 2 અને ટાયર 3 શહેરોના છે. આ લોકો સામાન્ય રીતે ફેશન અને સ્માર્ટફોન કેટેગરી માટે આવે છે.
તેમણે કહ્યું કે ગ્રાહકોએ વનપ્લસ, સેમસંગ અને એપલ જેવા પ્રીમિયમ બ્રાન્ડના મોબાઇલ ફોન ખરીદ્યા. એ જ રીતે પ્રથમ 36 કલાકમાં મોટી વસ્તુઓ અને ટીવીના વેચાણમાં દસ ગણો વધારો થયો. કંપનીએ કહ્યું કે અમારા નવા હિન્દી ઇન્ટરફેસમાં પણ લોકોની સારી સંખ્યા જોવા મળી. અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે બાકીના દિવસોની તુલનામાં ગ્રેટ ઇન્ડિયન સેલમાં ફેશન કેટેગરીમાં 5 ગણો, બ્યુટીમાં 7 ગણો અને ગ્રોસીરીઝમાં 3.5 ગણોનો વધારો થયો છે.
બીજી તરફ ફ્લિપકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિએ કહ્યું કે અમે અમારી કંપની માટે કડક ટાર્ગેટ નક્કી કર્યા છે અને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ આ તહેવારની મોસમનું સૌથી મોટું વેચાણ સાબિત થશે. મળતી માહિતી મુજબ ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલના પહેલા દિવસે ફેશન, બ્યુટી, પ્રાઇવેટ લેબલ અને ફર્નિચરના વેચાણમાં સૌથી વધુ વધારો નોંધવામાં આવ્યો છે.