બ્રિટન અને જાપાન તરફથી કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે કડક પ્રતિબંધ લગાવાવની તૈયારી બાદ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી છે. તેની અસર ઘરઆંગણે બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ પર જોવા મળે છે. બ્રિટનમાં પીએમ બોરિસ જોન્સને નવા કડક પ્રતિબંધ લગાવવાના સંકેત આપ્યા જ્યારે જાપાને ટોક્યો અને આસપાસના વિસ્તારમાં ઇમરજન્સી જાહેર કરી છે.


એમસીએક્સમાં સોનાના ભાવ વધ્યા

સોમવારે એમસીએક્સમાં સોનામાં 1.23 ટકાનો વધારો નોંધાયો હતો અને તે 50860 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો હતો. જ્યારે ચાંદી 2.21 ટકા એટલે કે 1504ના ઉછાળા સાથે 69627 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી હતી. ડોલર ઇન્ડેક્સ નબળો રહેવાને કારણે રોકાણકારોએ લાભ લઈને સોનામાં રોકાણ વધાર્યું. તેનાથી સોનાની માગ વધી અને તેની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે.

દિલ્હી માર્કેટમાં પણ વધી સોનાની કિંમત

દિલ્હી માર્કેટમાં શુક્રવારે સોનું 20 રૂપિયા વધીને 49678 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું હતું. જ્યારે ચાંદી 404 રૂપિયા વધીને 67520 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યું. અમદાવાદમાં સોમવારે ગોલ્ડ સ્પોટ 50143 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું જ્યારે ગોલ્ડ ફ્યૂચરની કિંમત 50829 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહી.

વૈશ્વિક બજારમાં ગોલ્ડની કિંમત આઠ સપ્તાહની ઉંચાઇ પર એટલે કે 1900 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 1.1 ટકા વધીને 1916.40 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યું. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.08 ટકા વધીને 170.74 ટન પર પહોંચ્યું છે. જ્યારે ચાંદીની કિંમત 2.4 ટકા વધીને 26.98 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ.