વિશ્વમાં કોરોનાનો બીજો તબક્કો શરૂ થશે અને કેસમાં અસામાન્ય વધારો થવાની ધારણાએ રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. તેને જોતા મોટા રોકાણકારો અને હેજ ફંડો સુરક્ષિત રોકાણ તરીકે ઈક્વિટી છોડીને ફરી સોના તરફ વળ્યા છે. જેના કારણે વૈશ્વિક બજારમાં સોનું ઉછલીને 1800 ડોલર પ્રતિ ઔંસની સપાટી કુદાવીને 1804 ડોલરે પહોંચ્યું હતું.
મળતી માહિતી મુજબ વૈશ્વિક બજારમાં સોનું 2011 પછીની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું છે. જાણકારોને મતે હવે સોનામાં આગળ વધુ તેજી જોવા મળી શકે છે. બીજી બાજી ચાંદીમાં પણ તેજી જોવા મળી છે અને વૈશ્વિક બજારમાં ચાંદી પ્રતિ ઔંસ 18.51 ડોલર બોલાતી હતી.
વૈશ્વિક બજારને પગલે અમદાવાદ સોના ચાંદી બજારમાં પણ તેજી જોવા મળી છે. અમદાવાદમાં સોનું ૯૯.૯ ૯૦૦ રૂપિયા ઉછળીને ૫૦,૯૦૦ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે ૯૯.૫ સોનું ૫૦,૭૦૦ રૂપિયાની સપાટીએ બોલાતું હતું. બીજી તરફ ચાંદી પણ ૧૦૦૦ રૂપિયા વધીને ૫૦,૫૦૦ રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ બંધ રહી હતી.