અમેરિકામાં રોજગારના સારા આંકડા બાદ રોકાણકારો શેર અને અન્ય જોખમી રોકાણ તરફ વળ્યા બાદ વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. જોકે નબળા ડોલર અને મોંઘવારીના વધતા દબાણને કારણે તે ઘટાડો મર્યાદિત રહ્યો છે.
ઘરેલુ માર્કેટમાં સોના-ચાંદીમાં ઘટાડો
ઘરેલુ માર્કેટમાં એમસીએક્સ પર શુક્રવારે સોનું 0.4 ટકા ઘટીને 48350 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદીમાં 0.8 ટકાનો ઘટાડો આવ્યો અને તે 71292 રૂપિયા પ્રતિ કિલોએ ટ્રેડ થઈ રહી હતી. નિષ્ણાંતોનું કહેવું છે કે એક મહિનામાં સોનાની કિંમત 51 હજાર રૂપિયા સુધી જઈ શકે છે. જો સોનું 46થી 47 હજાર રૂપિયાની રેન્જમાં રહે તો તેમાં ખરીદદારી આવી શકે છે.
દિલ્હીમાં પણ સોનાની કિંમતમાં ઘટાડો
બીજી બાજુ અમદાવાદમાં હાજરમાં સોનું 47569 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ગોલન્ડ ફ્યૂચર 48561 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યુ હતું. ગુરુવારે દિલ્હીમાં સોનામાં 416 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો અને તે 48593 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું હતું. તેવી જ રીતે ચાંદી પણ પ્રતિ કિલો 475 રૂપિયા સસ્તી થઈને 71575 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી.
વૈશ્વિક બજારમાં ઘટાડો યથાવત
વૈશ્વિક બજારમાં સોનામાં ઘટાડો યથાવત છે. હાજરમાં સોનું 0.2 ટકા ઘટીને 1872.21 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું જ્યારે ગોલ્ડ ફ્યૂચર 0.4 ટકા અને 1873.70 ડોલર પ્રતિ ઔંસ પર વેચાયું. જોકે વિશ્વના સૌથી મોટા ગોલ્ડ આધારિત ઈટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.6 ટકા ઘટીને 1037.09 ટન પર પહોંચી ગયું. અમેરિકાની અર્થવ્યવસ્થાના સારા આંકડાની સાથે જ સોનામાં પણ આગળ ઘટાડો જોવા મળી શકે છે. જોકે, ભારતમાં સોનામાં ઉતાર ચડાવનું વલણ યથાવત છે. દેશમાં હાલમાં ફિઝિકલ ગોલ્ડની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
કેટલો થશે ભાવ
કોમોડિટી એક્સપર્ટના કહેવા માટે સોનામાં રોકાણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. આગામી સમયમાં તેજી રહેવાની આશા છે. સોનામાં છેલ્લા થોડાં દિવસોથી તેજી આવી છે અને 48 હજાર આસપાસ થોડો ઘટાડો થવાની શક્યતા છે. મિડ ટર્મમાં 52 હજાર રૂપિયા અને લોંગ ટર્મમાં 60 હજાર રૂપિયા સુધી જઈ શકે છે.
પ્રથમ ત્રિમાસિકમાં સોનાની માંગ વધી
ભારતમાં સોનાની માંગ જાન્યુઆરી-માર્ચ 2021 ત્રિમાસિક દરમિયાન ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષના સમયગાળામાં 37 ટકા વધીને 140 ટન પર પહોંચી છે. ડબલ્યુસીજીના આંકડા મુજબ 2020ના પ્રથમ ત્રિમાસિકમાં સોનાની માંગ 102 ટન હતી.