પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ રાહતની વાત તે છે કે વૈશ્વિક ડોલર ઈંડેક્સ ઉંચકાતા કિંમતી ધાતુઓના ભાવમાં કડાકો બોલ્યો છે. શેરબજાર પાછળ ડોલર સામે રૂપિયો ઉંચકાયો છે. જેના કારણે સોના-ચાંદીના ભાવો વધુ ગગડ્યા છે.


અમદાવાદના જ બજારની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીમાં રૂપિયા 6 હજારનો તો સોનામાં રૂપિયા 1400નો કડાકો બોલ્યો છે. અમદાવાદ ઝવેરી બજારમાં ગુરૂવારના સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.500 ગબડી 99.50ના રૂ.49,100 તથા 99.90ના રૂ.49,300 રહ્યા હતા. તો ચાંદીના કિલોના વધુ રૂ.500 ઘટી રૂ.67,000 બોલાયા હતા. બીજી બાજુ અમેરિકામાં ક્રૂડનો સ્ટોક દસ મહિનાના તળિયે પહોંચી જતા ક્રૂડમાં તેજી જોવા મળી છે.

બીજી વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વ બજારમાં સોનું 1834 ડોલર પ્રતિ ઔંસથી ઘટીને 1812 ડોલર બોલાયું હતું. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ પણ ઔંશના ૨૬.૬૯થી ૨૬.૭૦ ડોલરથી ઘટી સાંજે ૨૬.૪૨થી ૨૬.૪૩ ડોલર રહ્યા હતા જ્યારે પ્લેટીનમના ભાવ ૧૦૯૫થી ૧૦૯૬ ડોલરવાળા ૧૦૮૪થી ૧૦૮૫ ડોલર બોલાઈ રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૨૨૫૬થી ૨૨૫૭ ડોલરથી ઘટી આજે સાંજે ૨૨૫૨થી ૨૨૫૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા.