નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહકો માટે એક સારા સમાચાર છે. બેંકે હવે ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ વ્યાજ ચૂકવવાનું નક્કી કર્યું છે. વધેલા વ્યાજ દર 14 જૂનથી લાગુ થઈ ગયા છે. SBIએ રૂ. 2 કરોડથી ઓછી અને 211 દિવસથી 3 વર્ષમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ માટેના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે.


બેંકના 7 દિવસથી 210 સુધીના સમયગાળામાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થતો નથી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 7 દિવસથી 45 દિવસની મુદતવાળી ફિક્સ્ડ ડિપોઝિટ પર વાર્ષિક 2.90 ટકાના દરે વ્યાજ ચૂકવશે. હવે ગ્રાહકોને 46 દિવસથી 179 દિવસમાં પાકતી FD પર 3.90 ટકાના દરે વ્યાજ મળશે. તેવી જ રીતે, 180 દિવસથી 210 દિવસમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર પહેલાની જેમ 4.40 ટકા રહેશે.


15 થી 20 બેસિસ પોઈન્ટ્સનો વધારો


લાઈવ મિન્ટના અહેવાલ મુજબ, બેંકે 211 દિવસથી એક વર્ષ કરતા ઓછા સમયની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.40 ટકાથી 4.60 ટકા કર્યો છે. તેવી જ રીતે, બેંકે એક વર્ષથી વધુ અને બે વર્ષથી ઓછા સમય ગાળા માટેની એફડીના વ્યાજમાં વધારો કર્યો છે. પહેલા જ્યાં બેંક ગ્રાહકોને વાર્ષિક 5.10 ટકાના દરે વ્યાજ આપતી હતી ત્યાં હવે 5.30 ટકા વ્યાજ મળશે.


બેંકે બેથી ત્રણ વર્ષમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. અગાઉ, જ્યાં બેંક આ સમયગાળાની FD પર 5.20 ટકા વ્યાજ ચૂકવતી હતી, હવે 5.35 ટકા વ્યાજ આપવામાં આવશે. બેંકે ત્રણથી પાંચ વર્ષથી ઓછા સમયમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને ગ્રાહકોને વાર્ષિક 5.45 ટકાના દરે વ્યાજ મળતું રહેશે. તેવી જ રીતે, પાંચથી દસ વર્ષની મુદતવાળી એફડીના વ્યાજ દરોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને બેંક 5.50 ટકાના દરે વ્યાજ ચૂકવવાનું ચાલુ રાખશે.


વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજ મળશે


વરિષ્ઠ નાગરિકોને સાત દિવસથી પાંચ વર્ષના સમયગાળામાં પાકતી FD પર નિયમિત વ્યાજ દર ઉપરાંત 0.50 ટકા વધારાનું વ્યાજ મળશે. બેંક દ્વારા 14 જૂનથી વ્યાજ દરોમાં સુધારો કર્યા પછી, હવે વરિષ્ઠ નાગરિકોને 211 દિવસથી એક વર્ષથી ઓછા સમયમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.10 ટકા વ્યાજ મળશે. તેવી જ રીતે, એક વર્ષથી બે વર્ષથી ઓછા સમયગાળામાં પાકતી FD પર 5.80 ટકા અને બે વર્ષથી ત્રણ વર્ષથી ઓછા સમયગાળામાં પાકતી FD પર વાર્ષિક 5.85 ટકા વ્યાજ દર સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા ચૂકવશે.