નવી દિલ્હીઃ પલ્બિક સેક્ટરની એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાનું ખાનગીકરણ નક્કી છે. આ જાણકારી કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ સંસદમાં આપી હતી. તેમણે રાજ્યસભામાં જણાવ્યું કે, એર ઇન્ડિયાને હવે ચલાવવી અસંભવ છે. તેમણે કહ્યું કે, અમને દરરોજ 15  કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. જ્યારે 20 એરક્રાફ્ટની અછતનો સામનો કરી રહ્યા છીએ. એટલા માટે અમારી હાલત સુધારવા ડિસઇન્વેસ્ટમેન્ટની જરૂર છે.


આ પ્રથમવાર છે જ્યારે સરકારે સ્પષ્ટ રીતે એર ઇન્ડિયાના ખાનગીકરણની વાત કરી છે. આ અગાઉ સરકાર એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટનો પ્રયાસ કરી રહી હતી. ડિસઇન્વેસમેન્ટના અનેક પ્રયત્નો નિષ્ફળ થઇ ચૂક્યા છે. નોંધનીય છે કે ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા રોકાણથી વિપરીત છે જ્યાં રોકાણ કોઇ કારોબાર, કોઇ સંસ્થા કે કોઇ પરિયોજનામાં રકમ લગાવવાનું હોય છે તો ડિસઇન્વેસ્ટમેન્ટનો અર્થ આ રકમને પાછી કાઢવાની હોય છે.

એર ઇન્ડિયાને આ નાણાકીય વર્ષમાં 9000 કરોડ રૂપિયાના દેવાની ચૂકવણી કરવાની છે. કંપનીએ તેના પર સરકારની મદદ માંગી હતી પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નહોતો. સરકાર આ એરલાઇનમાં પોતાની 76 ટકા હિસ્સેદારી વેચવા માંગે છે. હરદીપ પુરીએ કહ્યું કે, એર ઇન્ડિયાને પાકિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશ પર પ્રતિબંધના કારણે નુકસાન થયું છે. વાસ્તવમાં બાલાકોટમાં ભારતીય એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને એરસ્પેસ બંધ કર્યું છે. જેને કારણે એર ઇન્ડિયાને 300 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચી ચૂક્યું છે.