નવી દિલ્હીઃ સરકારે બેન્કિંગ સેક્ટમાં સુધારો લાવવા માટે મોટા પગલા ભરવાની તૈયારીમાં છે. આ અંતર્ગત છ સરકારી બેન્કોનુ ખાનગીકરણ થઇ શકે છે. સરકાર હવે પોતાની પાસે માત્ર પાંચ બેન્કો જ રાખશે.


રૉયટર્સના એક રિપોર્ટ અનુસાર, પ્રથમ તબક્કાના ખાનગીકરણ અંતર્ગત સરકાર બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, યુકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેન્કમાં પોતાનો મોટાભાગનો હિસ્સો વેચી દેશે.

રૉયટર્સના રિપોર્ટમાં સરકારી અધિકારીઓના હવાલાથી કહેવાયુ છે કે સરકાર પોતાની પાસે માત્ર ચાર-પાંચ બેન્કો જ રાખવા માગે છે. અધિકારીએ કહ્યું કે, પ્રાઇવેટાઇઝેશનની પુરેપુરી બ્લૂ-પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. આખી યોજનાને બહુ જલ્દી કેબિનેટની સામે મંજૂરી માટે મુકવામાં આવશે. જોકે, આ આખા મામલે નાણાં મંત્રાલયે કોઇપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે.



કોરોના વાયરસના સંકટના કારણે મંદીમાં આવે ગયેલા અર્થતંત્રને પાટા પર લાવવા સરકારને વધારે ફંડની જરૂર છે. એટલે માટે પોતાની કંપનીઓ અને બેન્કોને વેચીને પૈસા એકઠા કરવા માંગે છે. કેટલીક કમિટીઓ અને આરબીઆઇએ પણ સરકારને સલાહ આપી હતી કે તેમની પાસે પાંચથી વધારે બેન્કો ના રાખવી જોઇએ. એક સરકારી અધિકારીએ કહ્યું કે સરકારી બેન્કોનુ એકબીજામાં વિલય નહીં થાય, સરકારે એ વાત સ્પષ્ટ કરી દીધી છે.