અમદાવાદઃ રોજ્યોમાં સરકારી વેચાણ કેન્દ્રોની ઘટને કારણે કેન્દ્ર સરકારે હવે તુવેર, અડદ અને ચણા સહિતના રાહતદરના કઠોળના વેચાણ માટે સમગ્ર દેશમાં ફેલાયેલા પોસ્ટ ઓફિસના વિરાટ નેટવર્કનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહક મંત્રાલયના સચિવ હેમ પાંડેની અધ્યક્ષતા હેઠળની મંત્રાલયોની સમિતિએ શુક્રવારે એક બેઠકમાં આ નિર્ણય લીધો હતો. આ બેઠકમાં અન્ન, ગ્રાહક, કૃષિ, વાણિજ્ય અને નાણા જેવા મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં.


રાજ્યોમાં સરકાર બહુ વેચાણકેન્દ્રો ધરાવતી નથી, તેથી અમે સરકારના બફર સ્ટોકમાંથી રાહતદરના કઠોળના વિતરણ માટે પોસ્ટલ નેટવર્કનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ ચાલી રહેલી તહેવારોની સિઝનમાં આના લીધે પ્રાપ્યતા વધશે, એવું કેન્દ્રીય ગ્રાહક મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

ચણાનો પૂરવઠો વધારવા અને ભાવ નિયંત્રણમાં લેવા માટે આ સમિતિએ સરકારી એજન્સીઓને રીટેલ વિતરણ માટે વધુ સ્ટોક આપવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર દેશમાં આશરે ૧.૫૪ લાખ પોસ્ટ ઓફિસ છે, જે પૈકીની ૧.૩૯ લાખ ગ્રામીણ વિસ્તારોમાં છે. રીટેલ વિતરણ માટે સરકાર છેલ્લાં ઘણા મહિનાઓથી રાજ્ય સરકાર અને સરકારી એજન્સીઓને પોતાના બફર સ્ટોકમાંથી રાહત દરે કઠોળ આપી રહી છે. સરકાર ચાલુ વર્ષે ૨૦ લાખ ટનનો બફર સ્ટોક રચવાનો ટાર્ગેટ ધરાવે છે.