નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનમાં ત્રણ મહિના બાદ નવેમ્બરમાં એક લાખ કરોડ રૂપિયાના સ્તરને પાર કર્યો હતો. નવેમ્બરમાં જીએસટી કલેક્શન એક વર્ષ અગાઉ આ મહિનાની તુલનામાં છ ટકાથી વધીને 1.03 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. આ અગાઉ ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 95,380 કરોડ રૂપિયા રહ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં 97.637 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું.

એક સતાવાર નિવેદન અનુસાર આ વર્ષે નવેમ્બરમાં કેન્દ્રિય જીએસટીમાં 19592 કરોડ રૂપિયા, રાજ્ય જીએસટીથી 27,144 કરોડ રૂપિયા, એકીકૃત જીએસટીથી 49,028 કરોડ રૂપિયા અને જીએસટી ઉપકરથી 7727 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. એકીકૃત જીએસટીમાં 20,948 કરોડ રૂપિયા આયાતથી વસૂલ થઇ હતી. એ જ રીતે સેસથી 869 કરોડ રૂપિયા આયાત માલ પર સેસથી પ્રાપ્ત થયા છે.

આ અગાઉ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જીએસટી કલેક્શનમાં વાર્ષિક આધાર પર ઘટાડો થયો હતો. નિવેદનમાં કહ્યું કે, નવેમ્બરમાં ઘરેલુ લેવડ-દેવડ પર જીએસટી કલેક્શનમાં 12 ટકાનો વધારો થયો છે. આ વર્ષે જીએસટી કલેક્શનમાં સૌથી સારી માસિક વૃદ્ધિ થઇ છે.