નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે 2021ના નવા વર્ષે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ડિસેમ્બર 2020માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ક્લેક્શન વધીને 1.15 લાખ કરોડ નોંધાયું છે. નાણા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે જીએસટી કલેક્શન 1.15 લાખ કરોડ રૂપિયા નોંધાયું જે અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક ક્લેક્શન છે. જે વાર્ષિક તુલનાએ GST ક્લેક્શનમાં 12 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.


ગત મહિને ગુડ્સની આયાતથી રેવન્યૂ 27 ટકા અને ઘરઆંગણે માલસામાનના ટ્રાન્સપોર્ટથી થતી આવકમાં 8 ટકાની વૃદ્ધિ થઇ છે. ભારતમાં જુલાઇ 2017મા નવી કરપ્રણાલી જીએસટીના અમલીકરણ બાદ પ્રથમવાર ડિસેમ્બર 2020માં રૂ. 1.15 લાખ કરોડથી વધુ વિક્રમજનક જીએસટી ક્લેક્શન નોંધાયુ છે. તેની પહેલાં સૌથી વધુ જીએસટી ક્લેક્શન એપ્રિલ 2019માં 1,13,866 કરોડ નોંધાયું હતું. ડિસેમ્બર 2020માં થયેલ વિક્રમજનક રૂ.1,15,174 કરોડના જીએસટી ક્લેક્શનમાં સેન્ટ્રેલ જીએસટી પેટે રૂ. 21,365 કરોડ, સ્ટેટ જીએસટી પેટે રૂ. 27,804 કરોડ અને આઇજીએસટી પેટે રૂ. 57,426 કરોડ (જેમાં ગુડ્સની આયાત પેટે રૂ. 27,050 કરોડ) અને સેશ પેટે રૂ. 8579 કરોડ (જેમાં ગુડ્સની આયાત પેટે રૂ. 971 કરોડ)ની આવક થઇ છે.

31 ડિસેમ્બર 2020 સુધી નવેમ્બર મહિના માટે નોંધાયેલા GSTR-3B રિટર્નની કુલ સંખ્યા 87 લાખ છે. સરકારે સીજીએસટી હેઠળ રૂ. 23,276 કરોડ અને આઈજીએસટી હેઠળ એસજીએસટીને રૂ. 17,681 કરોડની નિયમિત પતાવટ કરી છે. ડિસેમ્બર 2020ના મહિનામાં નિયમિત પતાવટ બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા મેળવેલી કુલ આવક સીજીએસટી પેટે રૂ. 44,641 કરોડ અને એસજીએસટી પેટે 45,485 કરોડ રૂપિયા છે.