Hero MotoCorp Hikes Prices: ટુ-વ્હીલર ખરીદનારાઓને 1 જુલાઈ, 2022થી મોંઘવારીનો આંચકો લાગશે. દેશની સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપની Hero MotoCorp એ પોતાની મોટરસાઇકલ અને સ્કૂટરની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. વધેલી કિંમતોનો નિર્ણય 1 જુલાઈ, 2022થી અમલમાં આવશે.
Hero MotoCorp અનુસાર, કોમોડિટીની વધતી કિંમતોને કારણે મોંઘવારી વધી છે, જેના કારણે ટુ-વ્હીલરના ઉત્પાદનનો ખર્ચ વધી ગયો છે, જેના કારણે કંપનીએ તેની મોટરસાઇકલ અને સ્કૂટરની કિંમતમાં 3,000 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. Hero MotoCorp એ સ્ટોક એક્સચેન્જોને માહિતી આપી છે કે 1 જુલાઈ, 2022થી કંપની મોટરસાઈકલ સ્કૂટરની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે.
કંપનીએ કિંમતમાં વધારા માટે વધતી જતી ઈનપુટ કોસ્ટને જવાબદાર ગણાવી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે કોમોડિટીના ભાવમાં વધારાને કારણે તેણે કિંમત વધારવાનો નિર્ણય લેવો પડ્યો છે. ઉપરાંત, કિંમતમાં વધારો મોટરસાઇકલ અને સ્કૂટરના મોડલ પર નિર્ભર રહેશે.
Hero MotoCorp એ છેલ્લા એક વર્ષમાં ચોથી વખત સ્કૂટર મોટરસાયકલની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ, 1 જુલાઈ, 2021 ના રોજ 3,000 રૂપિયા અને 30 સપ્ટેમ્બરે 3,000 રૂપિયા, 1 જાન્યુઆરી, 2022 થી 2,000 રૂપિયા અને હવે 3,000 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કંપની વિવિધ મોડલ વેચે છે
Hero MotoCorp એન્ટ્રી-લેવલ HF100થી લઈને Xpulse 200 4V જેવી બાઈક સુધીના વિવિધ મોડલ્સનું વેચાણ કરે છે. HF100ની કિંમત રૂ. 51,450 થી શરૂ થાય છે, જ્યારે Xpulse 200 4Vની કિંમત રૂ. 1.32 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી)થી શરૂ થાય છે.
બાકીના ઓટોમોટિવ ઉદ્યોગની જેમ, ટુ-વ્હીલર નિર્માતા છેલ્લા કેટલાક મહિનામાં ઘણી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે. તેમાંથી એક માઇક્રોચિપ્સ સહિત જટિલ કાચા માલની વધતી કિંમત છે. વધુમાં, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ઓટો ઉત્પાદકો માટે લોજિસ્ટિક્સની સમસ્યા ઊભી કરી રહ્યું છે.
જ્યારે હીરો મોટોકોર્પ પહેલેથી જ ભાવવધારાની જાહેરાત કરી ચૂક્યું છે, ત્યારે અન્ય ટુ-વ્હીલર અને કાર ઉત્પાદકો પણ આગામી સપ્તાહમાં આ જ રીતે ભાવમાં વધારો કરી શકે છે.