Fire In Electric Car: ટાટા મોટર્સની ઇલેક્ટ્રિક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ મુંબઈની ઘટના છે. જ્યાં ટાટા મોટર્સની નિક્સન ઇલેક્ટ્રિક કારમાં આગ ફાટી નીકળી હતી. જે બાદ સરકારે તપાસના આદેશ આપ્યા છે. ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) આ આગની ઘટનાની તપાસ કરશે.


કારમાં આગ લાગવાની ઘટના પર ટાટા મોટર્સે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અમે તાજેતરના વાહનમાં લાગેલી આગથી સંબંધિત ઘટનાના તથ્યો જાણવા માટે ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. અમારી કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ અમે આ સંબંધમાં વિગતવાર માહિતી શેર કરીશું. કંપનીએ કહ્યું કે તે તેના વાહનો અને ગ્રાહકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ટાટાની ઈલેક્ટ્રિક કારમાં આગ લાગતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. જે બાદ કંપનીએ આ નિવેદન જાહેર કર્યું છે. ટાટા મોટર્સ અનુસાર, આગ લાગવાની આ પ્રથમ ઘટના છે અને અત્યાર સુધીમાં કંપનીએ 30,000 થી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું છે, જેમાંથી મોટા ભાગના નેક્સોન મોડલ (Tata Nexon Electric car) છે અને આ વાહનોએ 100 મિલિયન કિલોમીટરનું અંતર કાપ્યું છે.


તમને જણાવી દઈએ કે અગાઉ પણ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે લોકો ઘાયલ થયા હતા. સરકારે તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં બેટરી સેલમાં ખામી હોવાનું બહાર આવ્યું હતું. ઓલા ઈલેક્ટ્રીક, ઓકિનાવા ઓટોટેક અને પ્યોર ઈવી જેવી કેટલીક ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતાઓએ પણ ટુ-વ્હીલર પાછા ખેંચી લીધા હતા. સરકારે આ ઈલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર દંડ લગાવવાની ચેતવણી પણ આપી છે. માનવામાં આવી રહ્યું છે કે ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બાદ રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી કમિટી આ મહિના સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપી શકે છે.