નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત ત્રીજા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત બીજા દિવસે પણ 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 17 લાખ જેટલો થવા આવ્યો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


કોરોનાના વધતા કેસની વચ્ચે વિદેશી બ્રોકરેજ કંપની બેંક ઓફ અમેરિકા (BOFA) સિક્યોરિટીઝનું માનવું છે કે માર્ચ 2020-21નાં ચોથા ક્વાર્ટરમાં કોરોનાના વધતા કેસને કારણે જીડીપનો અંદાજિત 3 ટકાનો વૃદ્ધિ દર મેળવવો મુશ્કેલ છે. BOFAએ કહ્યું કે કોરોનાના વધતા કેસની વચ્ચે અર્થવ્યવસ્થાને ફરી પાટે લાવવી મુશ્કેલ છે. બ્રોકરેજ કંપનીએ કહ્યું કે એક મહિનાનાં રાષ્ટ્રીય કક્ષાના Lockdownને કારણે GDPનું 1 થી 2 ટકા સુધી નુકસાન થશે.


BOFAનાં રિપોર્ટ કહેવામાં આવ્યું છે કે વૃદ્ધિ હજી સુસ્ત છે અને મહત્વપૂર્ણ આર્થિક આંકડાઓ નીચા આવી રહ્યા છે. લોનનો ગ્રોથ નબળો છે. સાત પરિબળો પર આધારીત BOFAઇન્ડિયાનો એક્ટિવિટી ઇન્ડેક્સ, ફેબ્રુઆરીમાં એક ટકા પર આવી ગયો. જાન્યુઆરીમાં તે 1.3 ટકા હતો. પાછલા મહિનાની તુલનામાં ફેબ્રુઆરીમાં ભારતનાં એક્ટિવિટી ઇન્ડેક્સનાં 7માંથી 4 પરિબળ સુસ્ત રહ્યા છે.


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આથી માર્ચ ક્વાર્ટરમાં વાસ્તવિક GDPના 3 ટકાની વૃદ્ધિનાં અનુમાન જોખમમાં છે. આ ઇન્ડેક્સ 2020-21માં પહેલી વખત ડિસેમ્બર 2020માં સકારાત્મક થયો હતો. અગાઉ, સતત નવ મહિના સુધી તેમાં ઘટાડો થયો હતો.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ



  • સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,34,692 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1341 લોકોના મોત થયા છે. જોકે 1,23,354 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  એક કરોડ 45 લાખ 26 હજાર 609

  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 26 લાખ 71 હજાર 220

  • કુલ એક્ટિવ કેસ - 16 લાખ 79 હજાર 740

  • કુલ મોત - 1 લાખ 75 હજાર 649