Central Board of Direct Taxes: દેશમાં ઈન્ક્મટેક્ષ ભરનારાઓની સંખ્યા વધી રહી છે. આ અંગે  CBDTએ  આંકડા  જાહેર કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના અધ્યક્ષ સંગીતા સિંહે શનિવારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21ની સરખામણીએ નાણાકીય વર્ષ 2021-22માં આવકવેરા રિટર્નની સંખ્યામાં વધારો થયો છે. સંગીતા સિંહે કહ્યું કે ગત નાણાકીય વર્ષમાં આવકવેરા રિટર્નની સંખ્યા 7.14 કરોડ હતી, જે એક વર્ષ પહેલા 6.9 કરોડ હતી. આમ આવકવેરા રિટર્નની સંખ્યામાં સ્પષ્ટ વધારો દર્શાવે છે. 


આવકવેરા રિટર્નની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે: CBDT વડા
CBDTના અધ્યક્ષ સંગીતા સિંહે કહ્યું કે કરદાતાઓની સંખ્યામાં અને સંશોધિત રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. CBDTના અધ્યક્ક્ષે કહ્યું કે બોર્ડ ટેક્સ કલેક્શનમાં વધારો જોઈ રહ્યું છે. આ સ્થિતિ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે દેશમાં આર્થિક વિકાસ પ્રગતિના પંથે હોય.


ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધી રહી છે દેશની અર્થવ્યવસ્થા 
CBDTના અધ્યક્ષ સંગીતા સિંહે કહ્યું કે જો આર્થિક પ્રવૃત્તિ વધી રહી છે, તો ખરીદ-વેચાણમાં વધારો થશે. જ્યાં સુધી અર્થવ્યવસ્થાનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ટેક્સની રકમ વધી શકશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ ઈન્ડિયા તરફની પહેલને કારણે વિભાગમાં પણ ટેક્સની ચુકવણીમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે કોવિડ-19 મહામારી દરમિયાન લોકોએ વધુ ડિજિટલ પેમેન્ટ કરવાનું શરૂ કર્યું છે.


તેમણે કહ્યું કે કરદાતાઓને માહિતી આપવાની પહેલ પણ તેમને સમયસર ટેક્સ ભરવા અંગે જાગૃત કરવામાં ફાળો આપી રહી છે. અમે તાજેતરના વર્ષોમાં મોટા પાયે ડિજિટાઈઝેશન પણ કર્યું છે. CBDTના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં ટેક્સ કલેક્શન રૂ. 14 લાખ કરોડથી વધુ છે જે નાણાકીય વર્ષ 2019-20ના ટેક્સ કલેક્શન કરતાં ઘણું સારું છે.