GDP Data for 2nd Quarter Of 2022-23: થોડા સમય પહેલા જ ભારતનું અર્થતંત્ર દુનિયાનું 5 મા ક્રમનું અર્થતંત્ર બન્યું હતું પરંતુ સરકાર માટે ચિંતાજનક બાબત સામે આવી છે. વર્તમાન નાણાંકિય વર્ષ2022-23ના બીજા ક્વાર્ટર જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે દેશની અર્થવ્યવસ્થાએ 6.3 ટકાના દરેથી વિકાસ કર્યો છે. નાણાંકિય વર્ષના પહેલા ક્વાર્ટર એપ્રિલથી જુન વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાએ 13.5 ટકાના દરે વિકાસ કર્યો હતો. 


બીજી બાજુ વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટરમાં દેશનો આર્થિક વૃદ્ધિ દર (GDP)8.4 ટકા રહ્યો હતો. જ્યારે 2020-21ના બીજા ક્વાર્ટરમાં 7.5 (નેગેટિવ) રહ્યો હતો. જીડીપીના આંકડા આરબીઆઈના અનુમાન પ્રમાણે આવ્યા છે. આરબીઆઈએ પણ બીજા તબક્કામાં જીડીપી 6.1 ટકા વચ્ચે રહેશે તેવુ અનુંમાન વ્યક્ત કર્યું હતું. 


આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયએ બીજા ક્વાર્ટર માટે જીડીપીના આંકડા જાહેર કર્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી રૂ. 38.17 લાખ કરોડે પહોંચી હતી. જ્યારે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન જીડીપી 35.73 લાખ કરોડ રૂપિયા રહી હતી. ગત બે નાણાંકિય વર્ષ 2020-21 અને 2021-22ના બીજા ક્વાર્ટરમાં કોરોના રોગચાળાને કારણે લોકડાઉનના કારણે ખાસી પ્રભાવિત થઈ હતી. પરંતુ આ વખતે સ્થિતિ બદલાઈ છે. જો કે, આ ક્વાર્ટરમાં પણ વૈશ્વિક કારણોસર કોમોડિટીના ભાવમાં પણ ભારે તોજી જોવા મળી હતી.


કયા સેક્ટરની શું છે સ્થિતિ?


NSO તરફથી જાહેર કરવામાં આવેલા વર્તમાન આંકડા દર્શાવે છે કે, નાણાકીય વર્ષ 22-23ના બીજી ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ રેટ માઈનસમાં ગયો છે અને -4.3 ટકા રહ્યો છે. જ્યારે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 5.6 ટકા રહ્યો હતો. કૃષિ ક્ષેત્રે વિકાસ દર 5.6 ટકા રહ્યો જ્યારે 2021-22ના બીજા ક્વાર્ટરમાં 3.2 ટકા રહ્યો હતો. બાંધકામ સેક્ટરનો વૃદ્ધિ દર 6.6 ટકા રહ્યો છે જ્યારે 2021-22ના બીજા ક્વાર્ટરમાં 8.1 ટકા રહ્યો હતો. તેવી જ રીતે ટ્રેડ, હોટેલ, ટ્રાંસપોર્ટ, કોમ્યુનિકેશન અને બ્રોડકાસ્ટિંગ સહિત સાથે સંકળાયેલી સેવાઓનો સમાન વૃદ્ધિદર 14.7 પર રહ્યો હતો. જે 2021-22માં બીજા ક્વાર્ટરમાં 9.6 ટકા રહ્યો હતો. ફાઈનાન્સિયલ, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસેઝનો ગ્રોથ રેટ 6.5 ટકા રહ્યો હતો.જે ગત વર્ષે બીજા ક્વાર્ટરમાં 19.4 ટકા હતો. ઈલેક્ટ્રિસિટી, ગેસ અને વેટર સપ્લાઈ અને બીજી યૂટિલિટી સર્વિસીસનો ગ્રોથ રેટ વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 5.6 ટકા રહ્યો હતો જે ગત વર્ષે આ જ સમયગાળામાં 8.5 ટકા રહ્યો હતો.