Chinese Entrepreneur Jack Ma : ઇ-કોમર્સ કંપની અલીબાબાના સહ-સ્થાપક જેક મા ચીનની સરકારની ટીકા બાદ અચાનક ગાયબ થયા હતાં અને હવે તેઓ સામે આવ્યા છે. જેક મા જાપાનના ટોક્યોમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. તેઓ ઘણી લો-પ્રોફાઇલ્સ જીંદગી જીવી રહ્યાં છે. જેક મા પોતાની સાથે અંગત સુરક્ષા અને રસોઇયા પણ લઈને ગયા છે. જેક માના નજીકનાઓના જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લા 6 મહિનાથી ટોક્યોમાં રહે છે.
જેક માના રહેણાકને લઈને જાણકારી ધરાવતા લોકોના મતે તેઓ ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. જ્યારથી જાપાનમાં રહે છે ત્યારથી જેક મા તેમના પરિવાર સાથે ગરમ પાણીના ઝરણા થી લઈને સ્કી રિસોર્ટમાં દેખાઈ ચુક્યા છે.
ફાઇનાન્સિયલ ટાઇમ્સ અહેવાલ પ્રમાણે ટોક્યોમાં ટોક્યોમાં જેક માએ ગિન્ઝા અને મારુનૌચીના સેંટ્રલ ડિસ્ટ્રિક્ટમાં ગણ્યા ગાંઠ્યા સભ્યોને રાખ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, સમય પસાર કરવા જેક મા કલર પેઇન્ટિંગ કરે છે. ઓક્ટોબર 2020માં ચીની સરકારની ટીકા બાદ જેક મા સરકારના નિશાને આવ્યા હતાં.
આ બેઠકે જેક માને ઉંધા માથે પછાડ્યા
જાહેર છે કે, જેક મા વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કંપની અલીબબા ગ્રુપના સ્થાપક છે. વર્ષ 2021માં જ્યારે તેમના ગુમ થવાના સમાચાર દુનિયામાં સામે આવ્યા તો સૌકોઈ ચોંકી ઉઠ્યાં હતાં. સૌકોઈ જાણવા માંગતુ હતું કે આખરે જેક મા આખરે છે ક્યાં? પરંતુ બાદમાં તેમનો એક વીડિયો સામે આવ્યો હતો.
24 ઓક્ટોબર 2020 ના રોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચીનની અર્થવ્યવસ્થા અને રાજકારણ સાથે સંકળાયેલા અનેક દિગ્ગજો સામેલ થયા હતા. આ બેઠકમાં જેક માએ ચીની બેંકોની આકરી ટીકા કરી હતી. જેક માએ કહ્યું હતું કે, બેંક ભંડોળ પુરૂ પાડવા માટે કેટલીક સંપત્તિ ગિરવી રાખવાની માંગણી કરે છે. જેના કારણે નવી ટેક્નોલોજીને ફંડ નથી મળતું અને નવા પ્રયોગનું કામ ખોરંભે ચડે છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ અનુસાર, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને જેક માની આ વાત બાબતે જાણકારી મળી તો તેઓ ભારે ગુસ્સે થઈ ગયા હતા અને તેમને જેક માને ગાયબ કરી દેવાનો આદેશ આપી દીધો હતો. બેંકોની ટીકા બાદથી જ ચીની સરકાર અને જેક માના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.
ચાઈનીઝ સરકારે રોક્યો IPO
ચીનની સરકાર જેક મા વિરૂદ્ધ આટલે થી જ અટકી નહોતી. સરકારે જેક માની વધુ એક કંપની એંટ ગ્રુપનો IPO અટકાવી દીધો હતો. જેનું કદ 37 અબજ ડોલર હતું. કંપની પર 2.8 બિલિયન ડૉલરનું એન્ટિ-ટ્રસ્ટ ફાઈન લગાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ જેક મા અચાનક જ ગાયબ થઈ ગયા હતા.
એક ટીકાએ જેક માને બરબાદ કરી નાખ્યા
જેક મા ચીનની ટેક્નોલોજીની દુનિયાના પોસ્ટર બોય હતા. તેઓ દુનિયાભરમાં પ્રખ્યાત હતા. પરંતુ તેમના દ્વારા ચીની સરકાર સામેની એક ટીકાએ તેમના અબજોના વ્યાપારને તબાહ કરી નાખ્યો હતો. હવે તેમણે છુપાવેશમાં રહીને અન્ય દેશમાં આશ્રય માંગવો પડી રહ્યો છે. ચીનની સરકારી સિસ્ટમ વિરૂદ્ધ બોલવાની જેક મા ને ભારે કિંમત ચુકવવી પડી રહી છે.