Stock Market Closing, 30th November 2022 :  ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર શાનદાર રહ્યું છે. ભારતીય શેરબજારનો ઈન્ડેક્સ સતત પાંચમા દિવસે રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ 63 હજારને પાર બંધ થયો હતો. આજે સેન્સેક્સ 492.93 પોઇન્ટના વધારા સાથે 63,174.17 અને નિફ્ટી 162.20 પોઇન્ટના વધારા સાથે 18,780.25 તથા બેંક નિફ્ટી 198.40 પોઇન્ટના વધારા સાથે 43,251.85 પર બંધ રહ્યા.


શેરબજારમાં કેમ જોવા મળી તેજી


ભારતીય શેરબજારમાં ઘરેલુંથી લઈ વિદેશી રોકાણકારોની જબરદસ્ત ખરીદીના કારણે શાનદાર તેજી જોવા મળી.






સેક્ટર સ્થિતિ


બજારમાં સરકારી બેંકના ઈન્ડેક્સ સિવાય તમામ સેક્ટરના શેરમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેરો ઉછાળા સાથે જ્યારે 7 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 42 શેર ઉછળ્યા હતા અને માત્ર 8 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.


આજે આ શેર્સના વધ્યા ભાવ


બજારને ઐતિહાસિક સ્તરે લઈ જવામાં સામેલ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ થાય છે. જે 4 ટકા વધ્યો હતો. આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ 2.16 ટકા, પાવર ગ્રીડ 2.14 ટકા, એચયુએલ 1.78 ટકા, ભારતી એરટેલ 1.71 ટકા, ટાઇટન કંપની 1.59 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.51 ટકા અને ટાટા સ્ટીલ 1.51 ટકાના વધારા સાથે બંધ થયા હતા.


આજે આ શેરના ઘટ્યા ભાવ


બજારમાં આજે ઇન્ડસઇન્ડ બેન્કના શેર 1.02 ટકા, SBI 0.97 ટકા, HCL ટેક 0.66 ટકા, ITC 0.58 ટકા, બજાજ ફિનસર્વ 0.33 ટકા, બજાજ ફાઇનાન્સ 0.17 ટકા અને TCS 0.14 ટકા ઘટીને બંધ થયા હતા.


દિવસની કેવી થઈ હતી શરૂઆત


ભારતીય શેરબજાર આ અઠવાડિયે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં ઘટાડા અને દબાણ છતાં ભારતીય રોકાણકારો આશાથી ભરપૂર દેખાઈ રહ્યા છે અને તેમનો સંપૂર્ણ જોર ખરીદી પર છે.  આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 62681.84ની સામે 61.63 પોઈન્ટ વધીને 62743.47 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18618.05ની સામે 7.65 પોઈન્ટ વધીને 18625.7 પર ખુલ્યો હતો.