નવી દિલ્હીઃ પુલવામાં આતંકી હુમલાને લઈને દેશભરમાં પાકિસ્તાન વિરૂદ્ધ ગુસ્સો છે. જ્યારે સરકાર પણ આર્થિક અને રાજનીતિક મોર્ચે પાકિસ્તાન વિરૂદ્ધ કડક નિર્ણય લઈ રહી છે. જેના ભાગરૂપે પાકિસ્તાનને આપવામાં આવેલ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચવામાં આવ્યો છે અને પાકિસ્તાનથી આયાત થતી પ્રોડક્ટ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે દેશના વેપારીઓએ પણ પોતાના સ્તરે પાકિસ્તાનને જવાબ આપ્યો છે.
ભારતીય કારોબારીઓએ પાકિસ્તાનથી સિમેન્ટની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાનથી પ્રગટ થનારા ધ ડોન અખબાર મુજબ ભારતીય વેપારીઓએ પાકિસ્તાનથી મોકલેલા 600-800 સીમેન્ટના કેન્ટેનરોને પાછા મોકલ્યા છે. કન્ટેનરો હાલમાં કરાચી પોર્ટ, કોલંબો અને દુબઇના બંદરે ઉતારવામાં આવ્યા છે.
દર વર્ષે પાકિસ્તાન 7થી8 કરોડ ડોલર્સ(500-572 કરોડ રૂપિયા)ની સિમેન્ટ ભારતમાં વેચે છે. વધુમાં પાકિસ્તાની અખબારે જણાવ્યુ કે ભારત 75% જેટલી સિમેન્ટ પાકિસ્તાનની તરફથી આયાત કરે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં જુલાઇથી જાન્યુઆરી સુધીમાં પાકિસ્તાને ભારતને 6.48 લાખ ટન સિમેન્ટ નિકાસ કરી હતી. જો 2017-18ની વાત કરવામાં આવે તો પાકિસ્તાને 12.12 લાખ સિમેન્ટ ભારતને મોકલી હતી. અને 2016-17માં પાકિસ્તાને ભારતને 12.53 લાખ ટન સિમેન્ટની નિકાસ કરી હતી.