નવી દિલ્હી: ભારતીય રેલવે જલ્દી યાત્રી ભાડામાં વધારો કરી શકે છે. રેલવે બોર્ડને આ માટે મંજૂરી મળી ચૂકી છે. આ માટે રેલ અધિકારીઓ વચ્ચે મંથન શરુ થઈ ગયું છે. સૂત્રોના મતે રેલવે સબ અર્બન ટ્રેનોથી લઈન મેલ/એક્સપ્રેસના દરેક ક્લાસના ભાડામાં વધારો કરવા જઈ રહ્યું છે. આ વધારો 5 પૈસાથી પ્રતિ કિલોમીટરથી લઈને 40 પૈસા પ્રતિ કિલોમીટર સુધી હોઈ શકે છે. આ કારણે રેલવેના દરેક ક્લાસના ભાડામાં 15થી 20 ટકા વધારો થશે.


આ વધારાનું ભાડું ડિસેમ્બરના અંત સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે. વધારાનું ભાડું 1 ફેબ્રુઆરી 2020થી અમલમાં આવી શકે છે. છેલ્લી વખત નવી સરકારની રચના બાદ રેલવેએ 2014માં ભાડામાં આશરે 15 ટકાનો વધારો કર્યો હતો. હાલમાં રેલવેના ખર્ચ કરતા સરેરાશ ભાડુ 43 ટકા ઓછું છે.

જો અલગ-અલગ ક્લાસની વાત કરવામાં આવે તો રેલવેને સબ અર્બન ટ્રેનોના ભાડા પર લગભગ 64 ટકા નુકસાન ઉઠાવવું પડે છે. જ્યારે નોન સબ અર્બન ટ્રેનના સવારી ડબ્બા પર 40 ટકા નુકસાન થાય છે. જ્યારે એસી-1 પર લગભગ 24 ટકા નુકસાન, એસી-2 પર લગભગ 27 ટકા નુકસાન, સ્લિપર ક્લાસથી લગભગ 34 ટકાનું નુકસાન અને ચેયર કારથી લગભગ 16 ટકા નુકસાન થાય છે. રેલવેને ફક્ત એસી 3 ક્લાસની સવારીમાં ફાયદો થાય છે. જે લગભગ 7 ટકા છે.

આ સપ્તાહે સીએજી રિપોર્ટમાં રેલવેના આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. કેગના જણાવ્યા અનુસાર રેલ્વેનું ઓપરેટિંગ રેશિયો 98.44 હતું. એટલે કે 100 રૂપિયા કમાવવા માટે તેણે 98 રૂપિયાથી વધુ ખર્ચ કરવો પડતો હતો. એટલે કે કેગના અહેવાલમાં રેલ્વેના ભાડામાં વધારો કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.