Inflation To Hit Households: ટામેટાએ દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. ટામેટાના ભાવ પેટ્રોલ-ડિઝલની સાથો સાથ સફરજનની પણ સાઈડ કાપી નાખી છે. સામાન્ય લોકો માટે તો ટામેટાના દૂરથી જ દર્શન કાફી બની ગયા છે. હવે ટામેટાના ભાવનો પડઘો છેક મોદી સરકારના મંત્રાલયમાં પણ ગુંજવા લાગ્યો છે. જોકે હજી તો ટામેટાના ભાવમાં રાહત નથી મળી ત્યાં અલ નીનો ઈફેક્ટે લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
ટામેટા ઉપરાંત મરચા, જીરું, આદુ, અરહર દાળ અને અડદની દાળની મોંઘવારી એ જ રીતે સામાન્ય લોકોના ખિસ્સા ખાલી કરી નાખ્યા છે. તો ટામેટાંની મોંઘવારીએ નાણા મંત્રાલયની પણ ચિંતા વધારી દીધી છે. નાણાકીય વર્ષ 2022-23 માટે નાણા મંત્રાલયના આર્થિક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વાર્ષિક આર્થિક સમીક્ષામાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદ જેવા સ્થાનિક કારણોને લીધે ટામેટાં જેવી કેટલીક શાકભાજીની કિંમતો પર દબાણ રહ્યું છે.
નાણા મંત્રાલયે આ રિપોર્ટમાં કહ્યું છે કે, અલ નીનોની અસરથી જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો થયા બાદ પણ રિટેલ કિંમતો પર તેની અસરનો માર ગ્રાહકોને ભોગવવો પડે છે. ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, 6 જુલાઈના રોજ દિલ્હીમાં ટામેટાં 120 રૂપિયા, ગુરુગ્રામમાં 140 રૂપિયા, કોલકાતામાં 152 રૂપિયા અને પટનામાં 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે.
નાણા મંત્રાલયે તેના અહેવાલમાં જણાવ્યું છે કે, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સુધારો, સરકારના નીતિગત નિર્ણયો અને આરબીઆઈની નાણાકીય નીતિની કડકાઈના કારણે નાણાકીય વર્ષ 2022-23ના બીજા છમાસિક ગાળામાં ફુગાવામાં ઘટાડો થયો છે. પરંતુ કમોસમી વરસાદને કારણે ટામેટાં સહિતની કેટલીક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે, અલ નીનોના કારણે ઘરેલું ખાદ્યપદાર્થોની કિંમતો પર અસર તેમજ જથ્થાબંધ ભાવમાં ઘટાડો થવા છતાં છૂટક કિંમતોમાં ઘટાડો ન થવાથી ફુગાવાનો દર ઊંચો રહી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક તણાવ, વૈશ્વિક નાણાકીય પ્રણાલીમાં ઉથલપાથલ, વૈશ્વિક શેરબજારમાં ઘટાડો, અલ નીનોની અસર અને વૈશ્વિક માંગને કારણે નબળી વૈશ્વિક માંગને કારણે વિકાસની ગતિને અસર થઈ શકે છે.
જ્યારે નાણા મંત્રાલયે માસિક આર્થિક અહેવાલમાં જણાવ્યું હતું કે, મજબૂત ચોથા ક્વાર્ટરના કારણે 2022-23માં આર્થિક વૃદ્ધિની ગતિ 7.2 ટકા રહી છે, જે ફેબ્રુઆરી 2023ના 7 ટકાના અંદાજ કરતાં વધુ છે.