નવી દિલ્હી: નોકરીયાત વર્ગને મોટો આંચકો લાગી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રોવિડન્ડ ફંડ પર વ્યાજદરોમાં ઘટાડો કરવાનું વિચારી રહ્યું છે. EPFO નાણાકિય વર્ષ 2020 માટે પીએફ ડિપૉઝિટ પર વ્યાજ દર 15 બેસિસ પોઇન્ટ્સ એટલે કે 0.15 ટકા ઘટાડીને 8.50 ટકા કરી શકે છે. નાણાકીય વર્ષ 2019માં વ્યાજદર 8.65 ટકા હતો. નોકરીયાત વર્ગ માટે પીએફ ભવિષ્યની સુરક્ષાનું મોટું માધ્યમ છે અને વ્યાજદર ઘટડાથી તેની પર સીધી અસર પડશે.

આ મુદ્દે ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની પાંચ માર્ચની બેઠકમાં વિચારણા થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇપીએફઓ માટે ચાલુ વર્ષે વ્યાજ દરો યથાવત રાખવા મુશ્કેલ બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે લોંગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝીટ, બોન્ડ્સ અને ગવર્નમેન્ટ સિક્યોરિટીઝને કારણે ઇપીએફઓની આવક છેલ્લા એક વર્ષમાં 50 થી 80 બેસિસ પોઇન્ટ ઘટી છે.



EPFOએ બે નૉન-બેન્કિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યૂશન્સમાં લગભગ 4,500 કરોડ રૂપિયા રોકાણ કર્યું છે. તેમાં દીવાન હાઉસિંગ ફાઇનાન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ સામેલ છે. આ બંનેમાં લગાવેલા પૈસાને તાત્કાલીક પરત મેળવવા મુશ્કેલ છે કારણ કે બંને કંપનીઓ નાદારી પ્રક્રિયા હેઠળ પસાર થઈ રહી છે.

ઇપીએફઓ પોતાના વાર્ષિક ભંડોળની 85 ટકા રકમ ડેટ માર્કેટમાં અને 15 ટકા રકમ ઇટીએફ અને ઇક્વિટીમાં રોકાણ કરે છે. ગયા વર્ષે માર્ચના અંતમાં ઇક્વિટીમાં ઇપીએફઓનું કુલ રોકાણ 74,324 કરોડ રૂપિયા હતું અને તેને 14.74 ટકા રિટર્ન મળ્યું હતુ.