દર વર્ષે કરદાતાઓ માટે માથાનો દુખાવો બનેલી ITR ફાઇલિંગની છેલ્લી તારીખ પણ ધીમે ધીમે નજીક આવી રહી છે. તમારે 31મી જૂલાઈ સુધીમાં તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવું પડશે. જો તમે ચૂકી જાવ છો તો તમારે લેટ ફી સાથે દંડ અને વ્યાજ ચૂકવવું પડી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે આવકવેરા વિભાગ કેટલાક કરદાતાઓને 31 જૂલાઈ પછી પણ રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપે છે. આવા કરદાતાઓ માટે અલગ સમયમર્યાદા પણ બનાવવામાં આવી છે.


તમે પહેલાથી જ જાણો છો કે નાણાકીય વર્ષ 2023-24 માટે ITR ફાઇલ કરવાનું 1 એપ્રિલથી શરૂ થઈ ગયું છે. નોકરીયાત લોકો, પગાર અને પેન્શન મેળવતા વ્યક્તિઓ, HUF અને આવા એકાઉન્ટ બુક કે જેમને ઓડિટની જરૂર નથી ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી જૂલાઈ રાખવામાં આવી છે. પરંતુ, કેટલાક કરદાતાઓ એવા છે જેમને આ સમયમર્યાદા પછી પણ રિટર્ન ફાઇલ કરવાની સુવિધા મળે છે. આવકવેરા વિભાગ આ કરદાતાઓને 3 મહિનાનો વધુ સમય આપે છે.


અંતિમ તારીખ 31મી ઓક્ટોબર છે


જે ઉદ્યોગપતિઓના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર છે તેઓ 31 ઓક્ટોબર સુધીમાં તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. આવકવેરા વિભાગ આ ઉદ્યોગપતિઓને 3 મહિનાનો વધુ સમય આપે છે, જેથી તેઓ માન્યતા પ્રાપ્ત CA દ્વારા તેમના ખાતાઓનું ઓડિટ કરાવી શકે અને પછી તેમનો ITR ફાઇલ કરી શકે. જો વ્યક્તિઓ પાસે પણ કોઈ એકાઉન્ટ હોય જેને ઓડિટની જરૂર હોય તો તેમને પણ 31મી ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવે છે.


ITR 30 નવેમ્બર સુધી ભરી શકાશે


આવકવેરા વિભાગ ચોક્કસ પ્રકારના ટ્રાન્જેક્શન માટે ITR ફાઇલ કરવામાં પણ છૂટ આપે છે. જો કોઈ બિઝનેસને તેના આંતરરાષ્ટ્રીય ટ્રાન્જેક્શનમાં ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટ ફાઇલ કરવાની જરૂર હોય, તો આવા વ્યવસાયોને 30 તારીખ સુધી તેમના રિટર્ન ફાઇલ કરવાની છૂટ છે. આંતરરાષ્ટ્રીય લેવડદેવડ ઉપરાંત તેમાં ચોક્કસ પ્રકારના સ્થાનિક ટ્રાન્જેક્શનનો પણ સમાવેશ થાય છે.


31 માર્ચ સુધી મળે છે સુવિધા


આવકવેરા વિભાગે કરદાતાઓને ITR ફાઇલ કરવા અંગે વધુ છૂટછાટ આપી છે. જો કોઈ રિવાઇઝ ITR ભરવા માંગે છે, તો તેને 31 ડિસેમ્બર સુધીનો સમય મળે છે. આ સિવાય મોડા રિટર્ન ફાઈલ કરનારાઓને પણ 31મી ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો કે આવા કરદાતાઓએ પેનલ્ટી, વ્યાજ અને લેટ ફી પણ ચૂકવવી પડશે. જો તમે અપડેટેડ રિટર્ન ફાઈલ કરવા ઈચ્છો છો તો તમારી પાસે તે કરવા માટે 31 માર્ચ 2027 સુધીનો સમય છે. તમે અપડેટેડ રિટર્ન ફાઈલ કરવા માટે જે આકારણી વર્ષ પછી તમે ITR ફાઈલ કર્યું છે તેના પછી તમને 2 વર્ષ સુધીનો સમય મળે છે.